ડીઝલ-ગેસની અછતથી અડધાથી વધુ કારખાનાઓ બંધ, ત્રણ લાખ લોકોની રોજીરોટી જોખમમાં : બે દિવસમાં પહોંચતો માલ હવે પાંચ દિવસે પણ નથી પહોંચતો
જેતપુર,
તા.28 : ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ગંભીર આડઅસર હવે ગુજરાતના પ્રખ્યાત
જેતપુર સાડી ઉદ્યોગ પર સીધી જોવા મળી રહી છે. ઇંધણ સંકટની સ્થિતિને કારણે જેતપુરમાં
ડીઝલ અને ગેસની ભારે અછત સર્જાતા શહેરના લગભગ 50 ટકા જેટલા સાડી કારખાના બંધ થઈ ગયા
છે, જ્યારે બાકીના ઉદ્યોગો પણ ઠપ થવાની કગાર પર પહોંચી ગયા છે. ઉદ્યોગકારોમાં ભારે
ચિંતા ફેલાઈ છે કે જો આગામી 15 દિવસ સુધી આવી સ્થિતિ રહેશે તો આખો સાડી ઉદ્યોગ બંધ
થવાની નોબત આવી શકે છે.
જેતપુરનો
સાડી ઉદ્યોગ સીધી કે આડકતરી રીતે આશરે ત્રણ લાખ લોકોની રોજગારી સાથે જોડાયેલો છે. ઇંધણની
અછત અને ભાવવધારાને કારણે સમગ્ર ઉદ્યોગ મૃતપ્રાય સ્થિતિમાં પહોંચી રહ્યો છે. ઉદ્યોગકારોએ
સરકારને સ્પેશિયલ પેકેજ, ઓછા વ્યાજદરે લોન અને ઇંધણ પુરવઠો નિયમિત કરવા તાત્કાલિક પગલાં
લેવા માંગ કરી છે. વેપારીઓનું માનવું છે કે યુદ્ધ સમાપ્ત થઈ ઇંધણ પુરવઠો સામાન્ય બનશે
ત્યારે જ જેતપુરનો સાડી ઉદ્યોગ ફરી પાટા પર આવી શકશે.
પરપ્રાંતીય
કારીગરોમાં ભયનો માહોલ
સાડી
ઉદ્યોગમાં મોટી સંખ્યામાં યુપી અને બિહારના કારીગરો કાર્યરત છે. યુદ્ધની શરૂઆતમાં જ
ગેસ સિલિન્ડરની અછત સર્જાતા અનેક કારીગરો પોતાના વતન પરત ફરી ગયા હતા. હવે કારખાના
બંધ થવા લાગતા બાકી રહેલા કારીગરોમાં પણ ભય ફેલાયો છે. ‘લોકડાઉન જેવી સ્થિતિ ફરી ઉભી
થશે’ તેવી આશંકાએ કારીગરો વતન જવા આતુર બન્યા છે.
- મુકાદમ મુના પાસવાન(પરપ્રાંતિય)
ગેસ
આધારિત બોઇલર પણ બંધ
જેતપુરના
લગભગ 300 જેટલા કારખાનાઓમાં ગેસ આધારિત બોઇલર કાર્યરત છે પરંતુ ગેસ સિલિન્ડર ન મળતા
આ કારખાનાઓ પણ બંધ થઈ રહ્યા છે. બહારના રાજ્યોમાંથી આવતું સફેદ કાપડ અને મલમલ સમયસર
પહોંચતું નથી અને તૈયાર માલ પણ બહાર મોકલી શકાતો નથી.
- જેન્તીભાઈ રામોલિયા (ડાઇંગ એન્ડ પ્રિન્ટિગ
એસો. પ્રમુખ)