• મંગળવાર, 19 મે, 2026

મોદીને સ્વીડન અને નોર્વેના સર્વોચ્ચ સન્માન

કુલ 32 આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યા : ભારત-નોર્ડિક સમિટ માટે મોદી પહોંચ્યા નોર્વે

નવી દિલ્હી, તા. 18 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્તમાન સમયે વિદેશ પ્રવાસે છે. જેમાં સ્વીડન પ્રવાસ દરમિયાન પીએમ મોદીને રોયલ ઓર્ડર ઓફ પોલર સ્ટાર કમાન્ડર ગ્રાન્ડ ક્રોસના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા હતા. બાદમાં પીએમ મોદી સોમવારે નોર્વે પહોંચ્યા હતા. જ્યાં તેમને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટનું સર્વોચ્ચ સન્માન એનાયત થયું હતું. આ પીએમ મોદીને મળનારૂં 32મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.

પીએમ મોદી પાંચ દેશના ખુબ જ મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસે છે. જેની શરૂઆત શુક્રવારે 15મી મેના યુએઈથી થઈ હતી. બાદમાં નેધરલેન્ડ થઈને પીએમ મોદી સ્વીડન પહોંચ્યા હતા. પીએમ મોદીએ પોતાના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે વ્યાપાર, ટેક્નોલોજી, રક્ષા અને અન્ય પ્રમુખ ક્ષેત્રો ઉપર કેન્દ્રિત વ્યાપક વાતચીત કરી હતી. સ્વીડિશ પીએમ ક્રિસ્ટર્સને બે દિવસ માટે સ્વીડન પહોંચેલા પીએમ મોદીનું ગોથેનબર્ગ એરપોર્ટે સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ આ અગાઉ 2018માં ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેવા સ્વીડનની મુલાકાત કરી હતી. બન્ને પક્ષોએ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોના તમામ મુદ્દાની સમીક્ષા કરી હતી અને પરસ્પરના વ્યાપારને વધારવા માટે નવા રસ્તા શોધ્યા હતા.

બન્ને પક્ષે ગ્રીન પરિવર્તન, એઆઇ, નવી ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ્સ, સપ્લાય ચેન,  રક્ષા, અંતરીક્ષ, જળવાયુ પરિવર્તન અને બન્ને દેશના નાગરિકો વચ્ચેના સંબંધ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ અગાઉ સ્વીડનનાં હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરતા સમયે પીએમ મોદીના વિમાનને સ્વીડિશ વાયુસેનાના જેટ વિમાનો દ્વારા સુરક્ષા પ્રદાન કરવામાં આવી હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક