• મંગળવાર, 19 મે, 2026

સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલનો દેકારો

જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ડીઝલનો જથ્થો તળિયે : વાહનો પંપમાં ન પ્રવેશે તે માટે સંચાલકોએ લોખંડી આડશ (બેરિકેડ્સ) મૂકી દીધા

ખેતીની સીઝનમાં જ ટ્રેક્ટરો થંભ્યા : કંપનીઓમાંથી સપ્લાય ખોરવાતા અછત, ભાવ વધારાના ડરે અને અફવાઓથી ઠેર-ઠેર વાહનોની લાંબી કતારો

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ તા.18 : ઈરાન અને અમેરિકા વચ્ચે ભભૂકેલી યુદ્ધની ચિંગારીની સીધી અને ઘાતક અસર હવે સૌરાષ્ટ્રના હાર્દ સમાન ગ્રામીણ જનજીવન પર આફત બનીને તૂટી પડી છે. ઇંધણના આસમાને આંબતા ભાવો વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્રમાં ડીઝલની અભૂતપૂર્વ તંગીને કારણે હાહાકાર મચી ગયો છે. ઓઇલ કંપનીઓમાંથી સપ્લાય ચેઇન સદંતર ખોરવાઈ જતાં મોટાભાગના પેટ્રોલ પંપો ખાલી થઈ ગયા છે, પરિણામે વાહનો પંપમાં ન પ્રવેશે તે માટે સંચાલકોએ લોખંડી આડશ (બેરિકેડ્સ) મૂકી દીધા છે. એકતરફ ખેતીની ધમધમતી સીઝન ટાણે જ ટ્રેક્ટરો અને જેસીબીના પૈડાં થંભી જતાં જગતનો તાત મુશકેલીમાં મુકાયો છે. તો બીજી તરફ હજુ વધુ ભાવવધારો ઝીંકાશે તેવી દહેશત અને અફવાઓના વંટોળ વચ્ચે ઇંધણનો ટીપું-ટીપું જથ્થો મેળવવા માટે પેટ્રોલ પંપો પર મોડી રાત સુધી વાહનોની કિલોમીટરો લાંબી કતારો જોવા મળી રહી છે.

જૂનાગઢ : સરકારે ઇંધણના ભાવ વધારા બાદ સોરઠના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલનો દેકારો ઉઠ્યો છે મોટાભાગના પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો ખલાસ થઈ જતા વાહનો ન  પ્રવેશે તે માટે આડચ ઊભી કરી દેવામાં આવી છે પરંતુ પેટ્રોલ હજુ મળી રહયુ છે. જિલ્લાના પેટ્રોલ પંપમાં ડીઝલનો જથ્થો ખૂટી ગયો હોય અને ડીઝલના ટેન્કરો આવતાં ન હોવાથી મોટાભાગના પેટ્રોલ પંપમાં ડીઝલનું વેચાણ બંધ કરાયું છે શહેરના પંપમાં મર્યાદિત ડીઝલ આપવામાં આવી રહ્યું છે. આ પરથી સ્પષ્ટ જણાય છે કે ડીઝલની અછત  ઊભી થઈ છે. ખેતી કામની સીઝન હોય તેથી ટ્રેક્ટર, જેસીબી ,લોડર જેવા વાહનો ડીઝલના અભાવે બંધ કરવામાં આવ્યા છે ગ્રામ્ય વિસ્તારના પેટ્રોલપમ્પમાં ચોરીચૂપીથી પાંચ દસ લીટર ડીઝલ અપાય છે તેમાં રિલાયન્સ,નાયરા અને એચપીના પેટ્રોલ પંપ માં કોઈક સ્થળે મર્યાદિત જથ્થામાં ડીઝલ મળે છે જ્યારે અન્ય પેટ્રોલ પંપ ઉપર ડીઝલ વેચાણ બંધ કરાયું છે. પેટ્રોલ પંપના સંચાલકો ના જણાવ્યા પ્રમાણે ડીઝલનો જથ્થો ઉપરથી મોકલવામાં ખાસો વિલંબ થઈ રહ્યો છે તેથી અછત ઊભી થઈ છે.

પોરબંદર : બરડા પંથકના ગામડાઓમાં ડીઝલની અછતની અફવાને લીધે પંપ ઉપર લાઈનો લાગી હતી તો પોરબંદર શહેરમાં પણ અમુક જગ્યાએ ટ્રાફિક જોવા મળ્યો હતો. શહેરના અમુક પેટ્રોલ પંપ ઉપર વાહનોની લાઈનો જોવા મળી રહી છે તો બરડા પંથકના ગામડાઓ અડવાણા ખાંભોદર સહિત બગવદરના વિસ્તારમાં પણ અમુક જગ્યાએ ડીઝલ ખલાસ થઈ ગયું હોવાની અફવાને લીધે અને હજુ વધુ ભાવ વધારો આવશે તેવી દહેશતથી મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ-ડીઝલ પુરાવવા માટે પંપ ઉપર પહોંચી ગયા હતા અને તેના કારણે ઠેર ઠેર વાહન ચાલકોની ભીડ જોવા મળી હતી. 

અમરેલી : શહેરના મોટાભાગના પંપ ઉપર રાત્રિના સમયે ડીઝલનો જથ્થો ખલાસ થઈ ગયો હતો. જેને પગલે વાહન ચાલકોને ભારે હાડમારી વેઠવી પડી હતી. કેટલાક વિસ્તારમાં પેટ્રોલનું પણ મર્યાદિત માત્રામાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ પણ ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં આવતો ન હતો. તેના કારણે વાહન ચાલકોને ડીઝલનો મર્યાદિત આપવામાં આવતો હતો. હવે ફરી એક વખત અમરેલીમાં એવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. આ સ્થિતિ માત્ર અમરેલી શહેરમાં જ ન હતી. પરંતુ અમરેલી ઉપરાંત સાવરકુંડલા રોડ પર આવેલા પંપો પર પણ જોવા મળી હતી. રાજુલા શહેરમાં પણ ડીઝલનો મર્યાદિત જથ્થો હતો. જો કે અહીં મોડી સાંજે ડીઝલના ટેન્કર આવી પહોંચતા રાત્રે ફરી વિતરણ શરૂ કરવામાં આવ્યુ હતુ. બાબરામાં પણ વાહન ચાલકોને માત્ર રૂપિયા 200નું પેટ્રોલ આપવામાં આવતું હતું. જો કે અમરેલીમાં માત્ર ડીઝલનો જથ્થો ખલાસ થયો હતો. પેટ્રોલનો જથ્થો પંપો પર પડ્યો હોય વાહન ચાલકોને પેટ્રોલ વિતરણ કરવામાં આવી રહ્યું હતું.

કોડિનાર : કોડીનાર વિસ્તારમાં છેલ્લા થોડાક દિવસથી ડીઝલની અછત શરૂ થઇ છે. બે દિવસથી ડીઝલ માટે લોકો કાર, બસ અને ટ્રેક્ટરની લાબી કતારો દરેક પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે. ખેતીની સિઝનમા ટ્રેક્ટર જરૂરી હોય ત્યારે ડીઝલના મળે એટલે ખેડૂતોનો નુકસાન સહન કરવાનો વારો આવશે.

તળાજા : શહેર સહિત તાલુકાના મોટાભાગના પેટ્રોલ પમ્પ ઉપર બે દિવસથી ખાસ કરીને કોઈપણ વાહનો આવે ડીઝલ મર્યાદામા જ આપવામાં આવી રહ્યું છે. કેરબા કે અન્ય વસ્તુઓમા ઓળખાણ હોય તો જ આપવામાં આવે છે નહિતર નક્કી કરેલા વાહનોમાં નક્કી કરેલી મર્યાદામા જ ડીઝલ આપવામાં આવે છે. જેને લઈ ફરી પેટ્રોલ-ડીઝલની અછત ઉભી થયાની વાતના પગલે વાહનોની કતારો લાગી છે. ખાસ કરીને ખેડૂતવર્ગ મુશ્કેલીમા મુકાયો છે. એકતરફ ખેતીની સિઝન શરૂ થઈ છે. ટ્રેકટર દ્વારા ખેડથી લઈને પાક વાવવા સહિતની કામગીરી શરૂ થઈ છે. ત્યાં જ ટ્રેકટરમા માત્ર રૂ.1000નુજ ડીઝલ આપવામાં આવે છે. તળાજા સ્થિત ભારત પેટ્રોલપમ્પના સંચાલકએ જણાવ્યું હતુ કે હવે સાચી અછત દેખાઈ રહી છે. આજે સવારે ડીઝલ ખલાસ થઈ ગયું હતું. જોકે બપોર બાદ પુરવઠો મળી ગયો હતો. આ વિસ્તારના ખેડૂતો જાણીતા જ હોય ખેડૂતનો પુરાવો માગતા નથી.વધીને રૂ.2500નું ડીઝલ આપવામાં આવે છે. પેટ્રોલનો જથ્થો પણ પૂરતો મળતો નથી. પરંતુ તેમાં તકલીફ ઓછી છે. જિલ્લા પેટ્રોલ પમ્પ એસો.ના સેક્રેટરી સોહિલભાઈ ભૂરાણીએ જણાવ્યું હતુ કે ખેડૂતો ડીઝલ લેવા આવે તો તે ખેડૂત હોવાનો દાખલો પણ લેવા માટેની સૂચના છે. આ સ્થિતિને પહોંચી વળવા આવતીકાલે ભાવનગર-બોટાદ જિલ્લાના એસોસિએશનના પ્રતિનિધિઓ બંને જિલ્લાને ડીઝલનો જથ્થો વધુ ફાળવવામાં આવે તે માટે રજુઆત કરવા જવાના છીએનું ઉમેર્યું હતેં.

સીઝન ટાણે જ જગતાત લાચાર : ખેતીકામ ખોરંભે પડવાની ભીતિ

હાલ ચોમાસા પૂર્વેની ખેતીની મુખ્ય સીઝન ચાલી રહી છે. ખેડૂતોને જમીન ખેડવા માટે ટ્રેક્ટર, જેસીબી અને લોડર જેવા વાહનો ચલાવવા ડીઝલની સખત જરૂર છે. આવા સમયે જ ઈંધણ ગાયબ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જો સમયસર ડીઝલ નહીં મળે તો ખેતરોમાં રાખેલા મજૂરોની રોજગારી (દહાડી) ચાલુ હોવાથી મોટું આર્થિક નુકસાન થશે. વાવણી સમયસર નહીં થાય તો ચાલુ વર્ષના પાક ઉત્પાદન પર સીધી અસર પડશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક