યુદ્ધવિરામ ભાંગી પડવાની આશંકા વધુ મજબૂત બનાવતી ટ્રમ્પની નવી ચેતવણી
નવી
દિલ્હી, તા.18: ઈરાન અને અમેરિકાનો તનાવ એટલી હદે વધી ગયો છે કે, હવે યુદ્ધવિરામ કોઈપણ
ક્ષણે ભાંગી પડે તેવી આશંકા ઉભી થઈ ગઈ છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે તે પરમાણુ મુદ્દે અટકેલી વાતચીત અંગે જલદી કોઈ પગલું
ભરે. ટ્રૂથ સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું હતું કે, સમય ખૂબ ઝડપથી
પસાર થઈ રહ્યો છે. ટાઈમ ટીક ટીક થઈ રહ્યો છે. પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું, સારું
રહેશે કે ઈરાન જલદી કોઈ નિર્ણય કરે, નહિતર તેની પાસે કંઈ પણ બાકી નહીં રહે.
ટ્રમ્પની
આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ઈરાની મીડિયાએ અમેરિકાના કેટલાક કથિત પ્રસ્તાવો જાહેર
કર્યા છે, જેને પરમાણુ વાટાઘાટો ફરી શરૂ કરવાની શરત તરીકે જોવામાં આવી રહ્યાં છે. અહેવાલો
અનુસાર અમેરિકા ઈચ્છે છે કે ઈરાન લગભગ 400 કિલોગ્રામ સમૃદ્ધ યુરેનિયમ તેને સોંપી દે,
પોતાની પ્રવૃત્તિઓને માત્ર એક જ પરમાણુ કેન્દ્ર સુધી મર્યાદિત રાખે અને યુદ્ધ વળતરની
માગ છોડે.
સાથે
સાથે અમેરિકા એવું પણ ઈચ્છે છે કે ઈરાનની મોટાભાગની ફ્રોઝન સંપત્તિઓ હાલ માટે ફ્રીઝ
જ રહે અને સંઘર્ષનો અંત માત્ર વાતચીત પૂર્ણ થયા પછી જ માનવામાં આવે. બીજી તરફ ઈરાને
પણ વાતચીતમાં પાછા ફરવા માટે પોતાની શરતો મૂકી છે. અહેવાલો મુજબ તેહરાને વિસ્તારમાં
સૈન્ય કાર્યવાહી બંધ કરવાની, પ્રતિબંધો હટાવવાની અને ફ્રોઝન સંપત્તિઓ મુક્ત કરવાની
માંગ કરી છે. ઉપરાંત, તેણે યુદ્ધ દરમિયાન થયેલા નુકસાનનું વળતર અને હોર્મુઝ જલમાર્ગ
પર પોતાના નિયંત્રણને માન્યતા આપવા પણ કહ્યું છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કીયને
અમેરિકા અને ઇઝરાયલ પર આરોપ લગાવ્યો કે તેઓ સશસ્ત્ર જૂથોને સમર્થન આપી ઈરાનમાં અસ્થિરતા
ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ પ્રયાસ નિષ્ફળ ગયો કારણ કે પડોશી
દેશોએ પોતાની જમીનનો ઉપયોગ થવા દીધો નહોતો.