• રવિવાર, 19 એપ્રિલ, 2026

સુપેડી મુરલી મનોહર મંદિરમાં વિવાદ, આક્ષેપ બાદ મહંત અજ્ઞાતવાસમાં ગયા

ગ્રામજનોના વિરોધ વચ્ચે ટ્રસ્ટીનો ઇનકાર, પોલીસ પાસે સુરક્ષા બંદોબસ્તની માગ કરાઈ

ધોરાજી, તા.18 : ધોરાજી તાલુકાના સુપેડી ગામનું મુરલી મનોહર મંદિર હાલમાં વિવાદના કારણે ચર્ચામાં આવ્યું છે. ગામના 500થી વધુ મહિલા-પુરુષોએ મંદિરના મહંત અને ટ્રસ્ટના વહીવટ સામે આક્ષેપો કરી ધોરાજી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું. ગ્રામજનોએ મંદિરમાં મનસ્વી વહીવટ અને અયોગ્ય વર્તનના આરોપો લગાવ્યા હતા, જેના કારણે સમગ્ર ગામમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી.

આ વિરોધ વધતા મહંત રવિદાસ બાપુ રાતોરાત મંદિર છોડીને અજ્ઞાત સ્થળે જતા રહ્યા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાના અનુસંધાનમાં મંદિરના ટ્રસ્ટી ડી.સી. પટેલ, બાલાબાપુ અને અન્ય સેવકોએ ધોરાજી તાલુકા પોલીસ મથકે પહોંચી પોતાની રજૂઆત કરી હતી. તેમણે પોલીસ સમક્ષ દસ્તાવેજો રજૂ કરીને જણાવ્યું કે મંદિરમાં કોઈપણ પ્રકારનો જાતિભેદ રાખવામાં આવતો નથી અને તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ નિયમિત રીતે ચાલે છે. ટ્રસ્ટી ડી.સી. પટેલે આક્ષેપ કર્યો છે કે, મંદિર પાસે રસ્તા અને સફાઈ મુદ્દે ગ્રામ પંચાયત સાથે થયેલા મતભેદને કારણે સરપંચે પૂર્વગ્રહ રાખી ગામલોકોને ભોળવી આ વિવાદ ઉભો કર્યો છે. હાલ સમગ્ર મામલો પોલીસ તપાસ હેઠળ છે. ટ્રસ્ટીઓએ મંદિરની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત મૂકવાની માગ પણ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક