(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.11 : રાજકોટ જિલ્લા
પંચાયતની 36 પૈકીની 33 સીટ ઉપર ગઈકાલે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ આજે એકાએક
કોટડાસાંગાણી બેઠક ઉપર ઉથલપાથલ થતાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં
ભળેલા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને વિપક્ષના નેતા અર્જૂન ખાટરિયાને છેલ્લી ઘડીએ
લડાવવાનો નિર્ણય પાર્ટીએ કર્યો છે.
ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલય
ખાતે ગઈકાલે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેળી ચૂંટણી સમિતિની
બેઠકમાં વિસ્તૃત ચર્ચા બાદ પ્રદેશ મહામંત્રી અને મુખ્યમથક પ્રભારી ડો.પ્રશાત કોરાટ
દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના 36 પૈકી 33 બેઠક માટે ભાજપના ઉમેદવારોની જે યાદી બહાર
પાડવામાં આવી તેમાં કોટડાસાંગાણી બેઠક પરથી યુવરાજ દેવકુભાઈ ખાટરિયાને ટિકિટ આપવામાં
આવી છે. ઓબીસી અનામતનું રોટેશન ધરાવતી આ બેઠક ઉપર ગત ટર્મમાં અર્જૂનભાઈ ખાટરિયા ચૂંટાઈને
આવ્યાં હતાં. ચાર ટર્મના નિયમોને લીધે તેમનું પત્તુ કપાયું હતું અને તેમના કૌટુબિંક
ભત્રીજા ઉપર ભાજપે પસંદગી ઉતારી હતી.
જો કે, બીજા જ દિવસે સમગ્ર ચિત્ર
ફરી ગયું હતું અને છેલ્લી ઘડીએ અર્જૂન ખાટરિયાને મેન્ડેટ આપવામાં આવ્યો હતો. ભાજપના
જ સુત્રોના જણાવ્યાનુસાર અર્જૂનભાઈને ફરી ચૂંટણી લડાવવા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ
જાડેજા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ પ્રદેશના મોવડીઓનું ગંભીરતાપૂર્વક
ધ્યાન દોર્યુ હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અર્જૂનભાઈ ખાટરિયા
છેલ્લી 4 ટર્મથી કોંગ્રેસમાં જોડાયેલા હતાં. વર્ષ 2005માં કોટડાસાંગાણી, 2010માં શાપર-વેરાવળ,
2015માં ગોંડલની મોવિયા બેઠક તેમજ 2021માં ફરી કોટડાસાંગાણી બેઠક પરથી કોંગ્રેસમાંથી
ચૂંટાઈ આવ્યાં હતાં. એ સમયે ભાજપના ચેતન રામાણી, ઠાકરશીભાઈ સાકરિયા, કુરજીભાઈ ભાલાળા,
શૈલેષભાઈ વઘાસિયા જેવા આગેવાનોને તેમને ટક્કર આપી હતી. વર્ષ 2024માં રામમંદિર મુદ્દે
કોંગ્રેસના ‘સ્ટેન્ડ’ના વિરોધ બદલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની
સુચનાથી તેમની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી જો કે, પોતાએ સ્વેચ્છાએ રાજીનામું
આપીને ભાજપનો જોડાયા હોવાનું ખાટરિયાએ કહ્યું હતું.