ટિકિટ મુદ્દે ઉગ્ર વિવાદ બાદ પક્ષના જ પૂર્વ આગેવાને ઈંટ-પથ્થરથી કર્યો હુમલો
(ફૂલછાબ ન્યુઝ)
બોટાદ, તા.11 : સ્થાનિક સ્વરાજ્ય
ચૂંટણીની ઘોષણા બાદથી જ બોટાદમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ટીકીટ વહેંચણીને લઈ આંતરિક
અસંતોષ હવે ખુલ્લા વિવાદમાં ફેરવાઈ રહ્યો છે. તેવામાં શહેર ભાજપ પ્રમુખ પર હુમલાની
ઘટના સામે આવતા ચકચાર મચી છે.
બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય નજીક
આજે શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળા પર હુમલાની ઘટના સામે આવી છે. સ્થાનિક સ્વરાજ્ય
ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે તેઓ તાલુકા સેવા સદન તરફ જઈ રહ્યા હતા ત્યારે
પક્ષના જ પૂર્વ આગેવાન ભુપત ચૌહાણ સાથે ટિકિટ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આરોપ છે
કે, પોતાના પુત્રને નગરપાલિકાની ટિકિટ ન મળતા રોષે ભરાયેલા ભુપતભાઈએ ઈંટ-પથ્થરથી હુમલો
કર્યો. જોકે કિરીટ પાટીવાળા બચી જતા ગંભીર ઈજા ટળી હતી, પરંતુ એક કાર્યકરને પગમાં ઈજા
પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો. કિરીટ પાટીવાળા પોલીસ
મથકે પહોંચીને ફરિયાદ નોંધાવવાની તજવીજ કરી હતી. બીજી તરફ પોલીસે મામલાની તપાસ શરૂ
કરી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ચૂંટણી પહેલાં જ આ પ્રકારની ઘટના સામે આવતા
બોટાદમાં રાજકીય વાતાવરણ વધુ ઉગ્ર બન્યું છે.