અમરેલીની સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો
અમરેલી,તા.6 : રાજકોટની 14 વર્ષીય
તરુણી પર વળગાડ કાઢવાના બહાને દુષ્કર્મ ગુજારવાના ચકચારી કેસમાં અમરેલીની સ્પેશિયલ
પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી ભુવા નીતિન કાળુભાઈ વાઘેલા
અને મદદગાર મનોજ જીવાભાઈ પરમાર (રહે. રાજકોટ)ને ગુનેગાર ઠેરવી, બાકી રહેલી કુદરતી જિંદગી
સુધીના આજીવન કારાવાસની સખત સજા ફટકારી છે.
ઘટનાની વિગત મુજબ, ગત 31 ઓક્ટોબર
2024ના રોજ તરુણીને રાત્રે નીંદરમાં રડવાની અને અજીબ વાતો કરવાની સમસ્યા હોવાથી, તેના
પિતાના મિત્ર મનોજ પરમાર તેને વરસડા ગામે ભુવા પાસે લઈ ગયો હતો. ત્યાં નીતિન ભુવાએ
વિધિના બહાને તરુણી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો, જ્યારે મનોજે પણ
અડપલાં કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલો
અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે બંને આરોપીઓને પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની
વિવિધ કલમો હેઠળ આકરી સજા અને રૂ.20,000ના દંડનો હુકમ કર્યો છે.