• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

મોરારિબાપુ દ્વારા પ્રાપ્ત સન્માન જવાબદારી વધારનારું છે : શબાના આઝમી

            તલગાજરડામાં હનુમંત સંગીત નૃત્ય મહોત્સવ અંતર્ગત કલાધરોને અર્પણ થયાં વિવિધ એવોર્ડ

તલગાજરડા તા 2 :  મોરારિબાપુની સન્નિધિમા અને પ્રેરણાથી છેલ્લા 48 વર્ષથી મહુવાના તલગાજરડા ખાતે હનુમંત સંગીત નૃત્ય મહોત્સવનું આયોજન થતું રહ્યું છે. વર્તમાન વર્ષે હનુમાન જન્મોત્સવના ઉપલક્ષ્યમાં આ 49 મો ચતુર્દિવસીય મહોત્સવ આજે તા.2 એપ્રિલ ના રોજ સમાજના વિવિધ કલાકારો અને સમાજસેવીઓને અલગ અલગ સન્માન-એવોર્ડ અર્પણ કરીને સંપન્ન થયો હતો. જેમા નટરાજ એવોર્ડ મેળવનારા કલાકાર શબાના આઝમીએ જણાવ્યું હતું  કે ‘મોરારિબાપુ દ્વારા પ્રાપ્ત થયેલું આ સન્માન જવાબદારી વધારનારું છે.’

 તલગાજરડા ખાતે આજે હિન્દી ફિલ્મના અભિનેત્રી શબાના આઝમીને નટરાજ એવોર્ડ અર્પણ કરીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સન્માનના પ્રતિભાવમાં અભિનેત્રી શબાના આઝમી એ કહ્યું કે મને ઘણાં સન્માનો એવોર્ડ્સ વગેરે પ્રાપ્ત થયા છે. પરંતુ આજે મોરારિબાપુ દ્વારા અને તેમના વરદ્ હસ્તે મળી રહેલા આ એવોર્ડથી ધન્યતાપૂર્ણ અનુભવ કરીને હવે સામાજિક જવાબદારી તેનાથી વધી છે તેવો અહેસાસ થઈ રહ્યો છે. તેઓએ વિવિધ કલાઓ દ્વારા સામાજિક ક્રાંતિ પણ થઈ શકે તેમ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું.શબાના આઝમી પદ્મ પુરસ્કાર  તથા વિવિધ ફિલ્મ જગતના એવોર્ડ મેળવી ચુક્યા છે.તેઓ રાજ્યસભાના મનૌનિત સભ્ય પણ રહી ચૂક્યા છે.

            ચતુર્દિવસીય આ મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે મોરારિબાપુએ આશીર્વાદક વાણીને મુખર કરતા કહ્યું કે તમે સૌ કલા સાધકો અમારી આ વંદના કબૂલ કરવા અહીં આવો છો તેનાથી અમે જાતને ગૌરવપૂર્ણ સમજીએ છીએ. જીવનમાં સાત આહાર એવા છે કે જે આપણી ઊર્જાને ઊર્ધ્વગામી કરે છે. જેમાં ગાયન, વાદન, નર્તન, એકાંત, મૌન, મંત્ર અને ભજનને મૂકી શકાય. હનુમાનજી મહારાજ આ વિવિધ વિદ્યાઓની પ્રસ્તુતિથી પ્રસન્ન થાય છે એટલે કલા પણ એક પ્રકારનો આહાર જ છે. હનુમાનજી મહારાજ સમાજની વિવિધ વર્ગના લોકોની ખોજ કરીને એક સેતુ બનાવે છે.

આજના સમારંભમાં જગતગુરુ સંતોષદાસજી મહારાજ -બનારસ, મુરલી બાબા- ઓમકારેશ્વર, મહામંડલેશ્વર ગોપાલબાબા -કાશી વિશ્વનાથ તથા વિવિધ ગુણીજનો ઉપસ્થિત હતા. કાર્યક્રમના સંચાલક અને ગાયક હરિશ્ચંદ્ર જોશીની અવિરત 50 વર્ષની આ ક્ષેત્રની સેવાને બાપુએ બિરદાવીને તેમનું પણ સન્માન કર્યું હતું.સમગ્ર આયોજનની સફળતામાં સંયોજક જયદેવભાઈ માંકડ તથા સંગીતની દુનિયાના નિલેશભાઈ વાવડીયા વગેરે જોડાયાં હતાં.

આટલા વિદ્યાધરો-કલાધરોને પુરસ્કૃત કરાયા

પ્રતિ વર્ષની જેમ આજે સમાજના જુદા જુદા ક્ષેત્રના વિદ્યાધરો-કલાકારોને  એવોર્ડ્સ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આજે કુલ 13 એવોર્ડ અર્પણ થયાં હતા. જેમાં સુસાઈ કન્નૂ કુલંદેઈ સામી( મદ્રાસ)ને સદ્ભાવના એવોર્ડ, કનુ પટેલને કૈલાસ લલિતકલા એવોર્ડ (ચિત્રકલા માટે ),  શ્યામલ મુનશી-સૌમિલ મુનશીને અવિનાશ વ્યાસ એવોર્ડ, વસંતકુમાર મ. ભટ્ટને વાચસ્પતિ (સંસ્કૃત) એવોર્ડ, શુચિતા વાય.મહેતાને ભામતી (સંસ્કૃત) એવોર્ડ, રમેશભાઈ બી. નાયકને (ભવાઈ) નટરાજ એવોર્ડ, અરાવિંદ વૈદ્યને (નાટક) નટરાજ એવોર્ડ, કંવરજીત પેન્ટલ (ટી.વી સીરીયલ) નટરાજ એવોર્ડ, શબાના આઝમી (હિન્દી ફિલ્મ) નટરાજ એવોર્ડ, ગુરુ રતિકાંત મહાપાત્ર (ઓડિસી નૃત્ય) હનુમંત એવોર્ડ, ઓજસ અઢિયા, (તાલવાદ્ય-તબલાં) હનુમંત એવોર્ડ, દેબાશીશ ભટ્ટાચાર્ય (વાદ્યસંગીત-ગીટાર) હનુમંત એવોર્ડ અને વિદુષી કૌશિકી ચક્રબર્તીને (શાસ્ત્રીય ગાયન) હનુમંત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. અર્પણ કરવામાં આવેલા એવોર્ડમાં રોકડ ધન રાશિ, પ્રશસ્તી પત્ર અને સૂત્રમાળાથી તમામ કલાવિદો, જ્ઞાનવાન મહત્ પુરુષોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક