• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

CSK સામે પંજાબ જીતનો ક્રમ જાળવી રાખવા માગશે

ચેન્નાઇ, તા.2: ચેન્નાઇ સુપર કિંગ્સ માટે હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમ હંમેશા મજબૂત ગઢ રહ્યું છે. આમ છતાં શુક્રવારે રમાનાર મેચમાં જીત માટે પંજાબ કિંગ્સ વિરુદ્ધ તમામ મોરચે શાનદાર દેખાવ કરવો પડશે અને ટીમ રણનીતિનો મેદાન પર અમલ કરવો પડશે. બન્ને ટીમ માટે ખેલાડીઓની ઇજા અને ફિટનેસ મોટી સમસ્યા છે. જૂનાજોગી મહેન્દ્રસિંહ ધોની અને આફ્રિકી ફટકાબાજ ડેવાલ્ડ બ્રેવિસ અનફિટ હોવાથી પહેલા મેચની બહાર રહ્યા હતા. બીજી તરફ પંજાબ કિંગ્સના કપ્તાન શ્રેયસ અય્યરને પહેલા મેચમાં જ ઇજા થઇ હતી. આથી તેનું રમવું સંદિગ્ધ છે.

સીએસકેના અભિયાનની શરૂઆત નિરાશાજનક રહી હતી અને રાજસ્થાન રોયલ્સ સામે લગભગ 8 ઓવર પહેલા હાર સહન કરવી પડી હતી. એ મેચમાં તેના બેટર્સ અને બોલર્સ સારો દેખાવ કરી શકી નથી. બીજી તરફ પંજાબ કિંગ્સે તેના અભિયાનની શરૂઆત ગુજરાત ટાઇટન્સને હાર આપીને સારી રીતે કરી છે. જો કે આ મેચમાં તેના બેટધરો ક્ષમતા અનુસારનો દેખાવ કરી શકયા ન હતા.

હાલમાં રમાયેલા ટી-20 વિશ્વ કપ દરમિયાન ચેન્નાઇની પિચનો વ્યવહાર જોતા બેટધરોને ફાયદો થશે તેવું કહી શકાય. આધુનિક ક્રિકેટમાં ટી-20 ફોર્મેટમાં મોટાભાગે ટોસ જીતનાર કપ્તાન લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરે છે. જો સીએસકેની ઇલેવનમાં ધોની અને બ્રેવિસની વાપસી થશે. તો પાંચ વખતની આ પૂર્વ ચેમ્પિયન ટીમનો કપ્તાન ગાયકવાડ ટોસ જીતવાની સ્થિતિમાં હરીફ ટીમ સમક્ષ મોટો લક્ષ્યાંક રજૂ કરવાનું પસંદ કરી શકે છે. શુક્રવારના મેચમાં પણ સંજૂ સેમસન પર નજર રહેશે. જે સીએસકે તરફથી પહેલા મેચમાં ઉજળો દેખાવ કરી શકયો ન હતો જ્યારે પંજાબ માટે પહેલા મેચમાં હિરો બનેલ કુપર કોનલીના દેખાવ પર નજર રહેશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક