• ગુરુવાર, 26 માર્ચ, 2026

સૌરાષ્ટ્રના યાર્ડોમાં આજથી હિસાબી કામકાજ માટે સપ્તાહનું વેકેશન

તા. 25થી 31 સુધી મોટાભાગના યાર્ડમાં રજા : ખેડૂતોને જણસી ન લાવવા સૂચના

રાજકોટ, તા.24(ફૂલછાબ ન્યૂઝ): સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં બુધવારથી એક સપ્તાહ માટે માર્ચ અંતનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. વાર્ષિક હિસાબી કામકાજ માટે મોટાભાગના યાર્ડોમાં તા.25થી 31 માર્ચ સુધી રજા જાહેર કરવામાં આવી હોવાથી ખેડૂતોને જણસી ન લાવવા સૂચના આપવામાં આવી છે.

માર્ચ અંતના વેકેશનને પગલે કપાસ, મગફળી ઉપરાંત ઘઉં સહિતની શિયાળુ જણસીઓની આવક બંધ રહેતા વેપારો ઉપર અસર પડશે. 

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં 26 માર્ચ રામનવમી અને માર્ચ અંતની તા.30 અને 31ના રજા જાહેર કરવામાં આવી છે. જેથી યાર્ડમાં તા.28થી ખેડૂતોને જણસી લઈને નહીં આવવા જણાવાયું છે. આ ઉપરાંત ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા તા. 25 માર્ચથી તા.2 એપ્રિલ સુધી રજા જાહેર કરવામાં આવી છે. જામનગર યાર્ડ તા. 24થી 31 માર્ચ, અમરેલી અને જૂનાગઢ માર્કેટ યાર્ડ તા.26થી 31 માર્ચ સુધીની રજા રહેશે.

માર્ચ અંતની રજામાં હિસાબી કામગીરીના પગલે મોટાભાગના યાર્ડમાં એક સપ્તાહની રજા હોવાથી ખેડૂતોને રજાના દિવસોમાં ખેતજણસી ન લાવવા સૂચના આપવામાં આવી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક