• શુક્રવાર, 20 માર્ચ, 2026

ખંભાળિયામાં સોનાની ચેઈન બતાવી શ્રમિક સાથે ઠગાઈ આચરનાર રિક્ષાચાલક ઝડપાયો

ખંભાળિયા, તા.19  : શહેરના સલાયા ફાટક પાસે એક પરપ્રાંતિય શ્રમિકને વિશ્વાસમાં લઈ રૂ. 40,900ની ઠગાઈ આચરનાર રીઢા ગુનેગાર રિક્ષાચાલક સંજય રાજાણીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો છે. ગઈકાલે પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાસ્થળે તપાસનું રિ-કન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું.   ફરિયાદી શ્રમિક ઈશ્વરભાઈ માલુભાઈ પોતાના પુત્ર સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી સંજયે તેમને રિક્ષામાં બેસાડયા હતા. રિક્ષામાં સોનાની ચેઈન હોવાનું નાટક રચી, આરોપીએ શ્રમિકને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં, શ્રમિક પાસેથી 150 ગ્રામનું ચાંદીનું કડું, મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂ. 40,900નો મુદ્દામાલ પડાવી રિક્ષાચાલક ફરાર થઈ ગયો હતો.

શ્રમિકની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસે તપાસ હાથ ધરી આરોપી સંજય રાજાણીની ધરપકડ કરી છે. તપાસમાં ખૂલ્યું છે કે આરોપી અત્યંત રીઢો છે અને તેની સામે રાજકોટમાં અગાઉ 10 જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસે સલાયા ફાટક અને ગુનાના અન્ય સ્થળોએ પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક