જીરું,
ધાણા, વરિયાળી અને મેથી તમામ મસાલાનું ઉત્પાદન ઘટવાનો ફીસનો અંદાજ
રાજકોટ,
તા.3 (ફૂલછાબ ન્યૂઝ) : ગુજરાત અને રાજસ્થાનની મોનોપોલી ગણાતા જીરુંના પાકનું ઉત્પાદન
બન્ને રાજ્યોમાં 5 ટકા ઘટવાનો અંદાજ છે. જીરુંનું ઉત્પાદન 4.64 લાખ ગુણી જેટલું પાછલા
વર્ષની તુલનાએ ઘટી જતા 93.29 લાખ ગુણી (55 કિલો) રહેશે તેવો અંદાજ અમદાવાદમાં ફેડરેશન
ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડર્સની 10મી બેઠકમાં અમદાવાદમાં મૂકાયો હતો.
સંસ્થા
દ્વારા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મારફત ફિલ્ડ સર્વે કરાવવામાં આવ્યો હતો. એ પ્રમાણે
ગુજરાતમાં ઉત્પાદન 12.32 લાખ ગુણી ઘટીને 33.42 લાખ ગુણી અને રાજસ્થાનમાં 7.67 લાખ ગુણી
વધારો થતાં 59.87 લાખ ગુણી પાકશે. રાજસ્થાનમાં ઉત્પાદન વધવા છતાં ગુજરાતમાં પડેલા ગાબડાંને
લીધે કુલ ઉત્પાદનમાં ઘટાડો આવશે.
ગુજરાતમાં
પ્રતિ હેક્ટર ઉતારો 11 ટકા જેટલો ઘટીને 491 કિલો રહેશે જ્યારે રાજસ્થાનમાં 10 ટકાના
વધારા સાથે 443 કિલો મળશે તેવો અંદાજ મૂકાયો છે.
ધાણાનું
ઉત્પાદન 13.80 લાખ ગુણી જેટલું ઘટીને પૂરાં ભારતમાં 96.55 લાખ ગુણી (40 કિલો)રહેશે
તેવો અંદાજ મૂકાયો છે. ધાણાનો પાક મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં લેવામાં આવે
છે. ત્રણેય રાજ્યોમાં વાવેતર 3થી 17 ટકા સુધી ઘટયું હતું.
મધ્યપ્રદેશમાં
વાવેતર 17 ટકા ઘટી ગયું છે અને ઉતારો 2 ટકા ઘટીને 1281 કિલો પ્રતિ હેક્ટર મળવાથી કુલ
ઉત્પાદન 43 લાખ ગુણી રહેશે. ઉત્પાદનમાં 10 લાખ ગુણી ઘટાડો થયો છે જ્યારે રાજસ્થાનમાં
ઉત્પાદન 2.55 લાખ ગુણી ઘટીને 12.83 લાખ ગુણી થવાનો અંદાજ છે. ત્યાં હેક્ટર દીઠ ઉતારો
2 ટકા ઘટીન 1278 કિલો રહેશે. વાવેતરમાં ત્યાં 15 ટકાનો કાપ હતો.
ગુજરાતમાં
વાવેતરમાં માત્ર 3 ટકાનો ઘટાડો થયો છે. જોકે ઉતારો 1319 કિલો જળવાઇ રહેવાનો છે. એ કારણે
ઉત્પાદનમાં 1.16 ટકાનો મામૂલી ઘટાડો થતાં પાક 40.71 લાખ ગુણી રહેશે.
સંસ્થાએ
કહ્યું હતુ કે, વરિયાળીનું ઉત્પાદન મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે. એ ઉપરાંત
પરચૂરણ પ્રમાણમાં મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં થાય છે. આમ કુલ ઉત્પાદન 17.97 લાખ
ગુણી (55 કિલો)પાક આવશે. જેમાં 70 હજાર ગુણીનો મામૂલી ઘટાડો આવશે. ગુજરાતમાં 7.88 લાખ
ગુણી, રાજસ્થાનમાં 8.25 લાખ ગુણી અને અન્ય બે રાજ્યોમાં 1.83 લાખ ગુણી થશે.
મેથીના
ઉત્પાદનમાં મધ્યપ્રદેશ અગ્રેસર છે. પણ એ સિવાય રાજસ્થાન અને ગુજરાત પણ ઉત્પાદક છે.
ત્રણેય રાજ્યોમાં કુલ ઉત્પાદન 1.95 લાખ ગુણી (100 કિલો)ઘટીને 15.20 લાખ ગુણી પાકવાનો
અંદાજ છે.
રાજસ્થાનમાં
69,540 ગુણી ઘટીને 5.40 લાખ ગુણી, મધ્યપ્રદેશમાં 1.11 લાખ ગુણી ઘટીને 7.38 લાખ ગુણી
અને ગુજરાતમાં 15 હજાર ગુણી ઘટીને 2.42 લાખ ગુણી પાકવાનો અંદાજ બેઠકમાં મૂકવામાં આવ્યો
હતો.
ફેડરેશનની
બે દિવસિય બેઠક દરમિયાન પાકના અંદાજો કેન્દ્રસ્થાને રહ્યા હતા. જોકે એ ઉપરાંત તમામ
મસાલાની વૈશ્વિક પરિસ્થિતિ, વૈશ્વિક પ્રવાહો અંગે ચર્ચા થઇ હતી. એ ઉપરાંત વિશ્વ સ્તરે
માગના બદલાતા પ્રવાહો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ફેડરેશનના પ્રમુખ તેજસ
ગાંધીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. જ્યારે ફાઉન્ડર ચેરમેન અશ્વિન નાયક સહિતના અગ્રણીઓએ
પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ તકે ભારતભરમાંથી અનેક ટ્રેડરો, બ્રોકરો, ખેડૂતો,
નિકાસકારો પણ હાજર રહ્યા હતા.