• સોમવાર, 02 માર્ચ, 2026

હોળી-ધુળેટીના તહેવારમાં સૌરાષ્ટ્રની બજારોમાં ખરીદીનો માહોલ

ખજૂર, ધાણી, દાળિયા, કપૂર અને શ્રીફળ, રંગ, પીચકારી ખરીદવા લોકોની ભીડ

રાજકોટ ,તા. 1: હોળી-ધુળેટીના તહેવારને લઈ સૌરાષ્ટ્ર ભરની બજારોમાં છેલ્લી ઘડીની ખરીદીનો માહોલ જામ્યો છે. ખજૂર, ધાણી, દાળિયા, કપૂર, શ્રીફળ અને હારડા ઉપરાંત રંગબેરંગી રંગો, અવનવી પિચકારી ખરીદવા લોકો ઉમટી પડતા ભારે ભીડ જોવા મળી રહી છે. રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, તળાજા સહિતની બજારોમાં ઠેર-ઠેર રંગોના સ્ટોલ ઉભા કરાયા છે. ગ્રાહકોની ખરીદીથી વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.ગોંડલ: ગોંડલ ચેમ્બર ઓફ કોમર્સના  ઉપપ્રમુખ અને પાંચ દાયકાથી જૂની પેઢી ધરાવતા અગ્રણી વેપારી ગૌસેવક જયકરભાઈ જેભગવાન ખજૂરવાળા જણાવે છે કે ગોંડલમાં સ્વદેશી મેળો , વોકલ ફોર લોકલ ચાલે છે. હોળીના તહેવારમાં ખજૂર, ધાણી, દાળિયા, પતાસા, હાયડા, નાળિયેર ટોપરા, રંગો, અવનવી વેરાયટીની પિચકારીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.હોળીમાં બહેન દીકરીઓને હાયડો મોકલવાનો પરંપરાગત રિવાજ છે. નાના ભૂલકાને તેડી હોળીના દર્શન કરવા જવું, હોળીના પવન દિશાથી વર્ષની આગાહી થાય છે. ગોંડલ પંથકમાં ગુજરાત તથા બીજા રાજ્યના મજૂર વર્ગ કારીગર વર્ગમાં હોળી પ્રત્યે સારી આસ્થા હોય છે

બજારમાં ઘરાકીનો માહોલ જામ્યો છે, ખજૂરમાં રૂ.80 થી લઈ 1600 સુધીના અનેક વેરાયટીના ખજૂર આવે છે. હાલમાં ઈરાન આરબ દેશોમાં યુદ્ધનો માહોલ હોવાથી ભાવમાં રૂ. 20-30નો વધારો છે.

તળાજા

તળાજાની બજારમાં હોળીના તહેવાર પૂર્વે રવિવારની રજામાં ખરીદી માટે ભારે ભીડ ઉમટી હતી. તળાજામાં આસપાસના ગામડાના લોકો પણ હટાણુ કરવા આવતા હોય છે. વેપારીઓએ જણાવ્યું કે આ વર્ષે ખજૂર, દાળીયા, ધાણી, મમરામાં મોંઘવારી ન હોવાથી સામાન્ય વર્ગને રાહત મળી છે. ધૂળેટીના તહેવારને લઈ અવનવી વેરાયટીની પીચકારી બજારમાં જોવા મળી રહી છે. બાળકો અને યુવાનોમાં રંગોત્સવના તહેવારને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક