સુપ્રીમ લીડર ખામેનીની હત્યાનો બદલો લેવા હુંકાર : ખાડી દેશોમાં ખાનાખરાબી મચાવતા હુમલા : 8 દેશમાં અમેરિકાનાં 27 જેટલા સૈન્ય મથકો સહિત ઈઝરાયલને હચમચાવતો હુમલો બોલાવતું ઈરાન, અમેરિકાનાં યુદ્ધજહાજ ઉપર પણ મિસાઈલ દાગી
ટ્રમ્પે
કહ્યું, અભૂતપૂર્વ હુમલો કરીશું : ઈરાનમાં ઈઝરાયલનાં હુમલા પણ ચાલુ
નવીદિલ્હી,
તા.1: અમેરિકા, ઈઝરાયલ અને ઈરાનનો યુદ્ધનો ઉન્માદ ઉત્પાતમાંથી રક્તપાતમાં ફેરવાઈ ગયો
છે. ઈઝરાયલ અને અમેરિકાનાં 24 કલાકમાં 1200 બોમ્બ અને મિસાઈલથી ઘાતક સંકલિત હુમલામાં
ઈસ્લામિક રિપબ્લિકનાં ઈતિહાસમાં પહેલીવાર શીર્ષ નેતાનો યુદ્ધમાં ખાત્મો થયો છે. ઈરાનનાં
સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેની અને ટોચનાં સુરક્ષા અધિકારીઓ મરાયા છે. જેમાં
ઈરાની સેનાનાં વડા અબ્દુલ રહીમ મૌસવી અને રક્ષામંત્રી મેજર જનરલ અઝીઝ નાસિરજાદેહ અને
પૂર્વ રાષ્ટ્રપતિ મહેમૂદ અહમદીનેજાદનો સમાવેશ થાય છે. જેને પગલે નેતૃત્વમાં નિરાધાર
બનેલા ઈરાને મરણિયા થઈને ભયાનક જવાબી કાર્યવાહીમાં અમેરિકા અને ઈઝરાયલનાં હિતો ઉપર
આડેધડ હુમલા બોલાવી દીધા છે. ઈઝરાયલ ઉપરાંત ખાડી દેશોમાં અમેરિકાનાં 27 જેટલા સૈન્ય
મથકો ઈરાનની મિસાઈલો અને ડ્રોનની ઝપટે ચડી ગયા હતાં. કતાર, કુવૈત, બેહરીન, જોર્ડન,
સાઉદી અરેબિયા, ઈરાક, ઓમાન અને યુએઈ સહિતનાં દેશો આજે પ્રચંડ વિસ્ફોટોથી ધણધણતા રહ્યાં
હતાં. આ તમામ દેશોએ પોતાની વાયુસીમાને વાંસી દીધી છે અને સમગ્ર ખાડીમાં લોકો દહેશતમાં
ગરક થઈ ગયા છે. બીજીબાજુ અમેરિકાનાં યુદ્ધજહાજ અબ્રાહમ લિંકનને પણ નિશાન બનાવીને ઈરાને
મિસાઈલો દાગી હતી. જો કે, અમેરિકાએ આ દાવો ફગાવી દીધો હતો. ખામેનીની ગેરહાજરીમાં નવા
સુપ્રીમ લીડર ચૂંટાય નહીં ત્યાં સુધી રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કીયન દેશનો દારોમદાર સંભાળશે
અને હવે તેમની આગેવાનીમાં ઈરાની રીવોલ્યુશનરી ગાર્ડે ખામેનીનાં મોતનો બદલો લેવાનાં
પ્રણ લીધા છે. પેઝેશ્કીયને હુંકાર ભર્યો હતો કે, સુપ્રીમ લીડર ખામેનીની હત્યાનો બદલો
લેવો હવે ઈસ્લામિક રિપબ્લિકનો અધિકાર અને જવાબદારી છે. ખામેનીની હત્યાને તેમણે ઈસ્લામ
વિરુદ્ધ યુદ્ધનું એલાન ગણાવ્યું હતું. સામે
છેડે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વળતી ધમકી આપી હતી કે, ઈરાની સેના તરફથી
જો કોઈ પ્રહાર થશે તો હવે પછી અભૂતપૂર્વ હુમલો કરવામાં આવશે. શનિવારે શરૂ થયેલી આ જંગમાં
અત્યાર સુધીમાં ઇરાનમાં 200થી વધુ લોકોના મોત અને 700થી વધુ લોકો ઘાયલ થયા છે. તેહરાન
અને અન્ય શહેરોમાં હોસ્પિટલોને ઈમરજન્સી માટે એલર્ટ રાખવામાં આવેલી છે. વીજળી, સંચાર
અને પરિવહન વ્યવસ્થાઓ પર પણ અસર પડી છે. ઇઝરાઇલમાં સતત હુમલાઓને કારણે શાળાઓ બંધ રાખવામાં
આવી છે અને જાહેર સ્થળો પર પ્રતિબંધ મૂકાયો છે. બીજીબાજુ ઈઝરાયલે પણ ઈરાન ઉપર આજે મિસાઈલોનો
મારો ચાલુ રાખ્યો હતો અને આ યુદ્ધ દિવસે નહીં પણ દર કલાકે વધુને વધુ વકરી રહ્યું છે.
---------
કેવી
રીતે ખામેનીનો ખેલ ખતમ કર્યો ઈઝરાયલ, અમેરિકાએ ?
નવીદિલ્હી,
તા.1 : ઈઝરાયલ અને અમેરિકાએ શનિવારે ઈરાન ઉપર કરેલા સંકલિત અને સુનિયોજિત હુમલામાં
ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીના આવાસ પરિસરને નિશાન બનાવવામાં આવ્યું
હતું અને 30 જેટલા બોમ્બ ઝીંકીને તેને જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યું હતું. આ હુમલામાં
ખામેની, તેમની પુત્રી અને પૌત્રી સહિત અને ટોચના અધિકારીઓ મરાયા હતા.
જ્યારે
આ હુમલો કરવામાં આવ્યો ત્યારે ખામેની પોતાનાં ઘરમાં સ્થિત કાર્યાલયમાં ઉચ્ચસ્તરીય બેઠક
કરી રહ્યા હતા. જેની બાતમી ઈઝરાયલ અને અમેરિકાને મળી ગઈ હતી. આ મોકાને બરાબર ઝડપીને
દિનદહાડે ઈઝરાયલ અને અમેરિકાએ આ પરિસરને નિશાન બનાવીને બોમ્બમારો ચલાવી નાખ્યો હતો
અને તેમાં ઈરાનમાં 36 વર્ષથી ચાલતાં એકચક્રી શાસનનો અંત આવી ગયો હતો.
જે
સ્થાને આ હુમલો કરવામાં આવ્યો હતો તે ઈરાનની રાજધાની તેહરાનની વચોવચ્ચ મોજૂદ છે. જ્યાં
30થી વધુ બોમ્બ ઝીંકી દેવાતા આખી ઈમારત ધ્વસ્ત થઈ ગઈ હતી. આંતરરાષ્ટ્રીય મીડિયાનાં
ખુફિયા અને ખોજી અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ખામેની અને તેમનાં શીર્ષ સલાહકારોને
નિશાન બનાવવા માટે ત્રણ સંભવિત મોકા ઈઝરાયલ અને અમેરિકાએ શોધી કાઢયા હતા. જેમાં શનિવારે
તેને તક મળી જતાં ઓપરેશનને અંજામ આપી દેવામાં આવ્યો.
ખામેનીનો
ખાત્મો થઈ ગયાનો સૌપ્રથમ દાવો ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામીન નેતન્યાહૂએ કર્યો હતો.
જો કે ખામેનીનું મૃત્યુ થયાની પુષ્ટિ ઈઝરાયલનાં મીડિયામાં ઘણાં કલાકો પછી આપવામાં આવી
હતી.
-------------------
ખામેનીના
પુત્ર મુઝતબા બનશે ઈરાનના સુપ્રીમ લીડર !
સુપ્રીમ
લીડરની ગેરહાજરીમાં શાસનની બાગડોર હંગામી પરિષદના હાથમાં : રાષ્ટ્રપતિ પેઝેશ્કીયન પરિષદના
પ્રમુખ
નવીદિલ્હી,
તા.1: અયાતુલ્લા અલી ખામેનીનાં મૃત્યુ પછી ઈરાનમાં રાજકીય અસ્થિરતા અને સર્વોચ્ચ નેતૃત્વમાં
અવકાશ પેદા થઈ ગયો છે. જેમાં એવા અહેવાલો મળી રહ્યા છે કે, ખામેનીનાં પુત્ર મુઝતબા
ખામેનીને સુપ્રીમ લીડર ચૂંટવામાં આવી શકે છે. જો કે હજી સુધી આનું કોઈ અધિકૃત એલાન
કરવામાં આવ્યું નથી. બીજીબાજુ ઈરાનના બંધારણ અનુસાર સુપ્રીમ લીડરની અનુપસ્થિતિમાં દેશનું
સંચાલન કરવા માટે એક અસ્થાયી શાસન પરિષદની રચના કરી નાખવામાં આવી છે. જ્યાં સુધી નવા
સુપ્રીમ લીડરની પસંદગી નહીં થાય ત્યાં સુધી આ પરિષદ શાસન ચલાવશે. આમાં ઈરાનના વર્તમાન
સુધારાવાદી રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કીયન, ઈરાનના કટ્ટરવાદી ન્યાયપાલિકા પ્રમુખ ગુલામ
હુસૈન મોહસેની ઉપરાંત ગાર્જિયન કાઉન્સિલના સદસ્ય પણ હશે. ખામેનીનાં મૃત્યુ પછી સુરક્ષા
અને પ્રશાસન ઉપર હવે આ પરિષદની દેખરેખ રહેશે.
પ્રસાર
માધ્યમોનાં અહેવાલ અનુસાર ખામેનીના પુત્ર મુઝતબાને સુપ્રીમ લીડર બનાવવામાં આવી શકે
છે. ઈરાનમાં છેલ્લા ઘણા સમયથી નવા સુપ્રીમ લીડરની નિયુક્તિની માગણી કરવામાં આવતી હતી.
ઈરાની સેના રિવોલ્યુશનરી ગાર્ડ આજ રવિવારની સવાર સુધીમાં જ સર્વોચ્ચ નેતાની નિયુક્તિ
ઈચ્છતી હતી.
મુઝતબા
ખામેનીના બીજા મોટા પુત્ર છે. જે એક મધ્યમ સ્તરના ધર્મગુરુ છે અને તેમને જ ખામેનીનાં
ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા. તેને રિવોલ્યુશનરી ગાર્ડ સાથે પણ બહુ જ ઘનિષ્ઠ સંબંધ
છે.