ઇરાન અને અફઘાનમાં ચોખાના શિપમેન્ટ અટકી ગયા
નવી
દિલ્હી, તા. 1 : ઈરાન યુદ્ધ કટોકટીની અસર ભારતીય ચોખા નિકાસકારો પર પડવા લાગી છે. અમેરિકા
અને ઇઝરાયલી હુમલાઓને પગલે, ઈરાન અને અફઘાનિસ્તાનમાં ચોખાના શિપમેન્ટ અવરોધિત થયા છે
અને આ પુરવઠા માટેની ચૂકવણી પણ અટકાવી દેવામાં આવી છે.
પીટીઆઈના
અહેવાલ મુજબ અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓને કારણે હરિયાણાના ચોખા નિકાસકારો ચૂકવણીમાં
વિલંબ અને ઈરાન અને અફઘાનિસ્તાનમાં શિપમેન્ટમાં વિક્ષેપોનો સામનો કરી રહ્યા છે. ચોખા
નિકાસકાર સંગઠનના રાજ્ય એકમના પ્રમુખ સુશીલ કુમાર જૈને જણાવ્યું હતું કે, યુદ્ધની અસર
ચોખાના વેપાર પર પડવાની શરૂઆત થઈ ગઈ છે. ઈરાનના સૌથી મોટા બંદર, બંદર અબ્બાસ દ્વારા
ઈરાન અથવા અફઘાનિસ્તાન જનારા શિપમેન્ટ ફસાયેલા છે.
સુશીલ
કુમાર જૈને જણાવ્યું હતું કે, ભારતના કુલ વાર્ષિક ચોખાની નિકાસનો લગભગ 35 ટકા હિસ્સો
હરિયાણાથી આવે છે. કરનાલના ચોખાના મિલ માલિક નીરજ કુમારના જણાવ્યા અનુસાર, શનિવારથી
શરૂ થયેલી લડાઈ બાદ અનિશ્ચિતતાની સ્થિતિ છે. એક જ દિવસમાં વેપાર પર અસર પડી છે, જેના
કારણે બાસમતીનો ભાવ પ્રતિ કિલોગ્રામ લગભગ 4-5 રૂપિયા ઘટી ગયો છે અને આ 400-500 રૂપિયા
પ્રતિ ક્વિન્ટલ છે.