પલ્લેકલે, તા.23: અહીંની ધીમી અને બોલરોને મદદગાર પીચ પર ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની ટીમ ટી-20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડમાં મંગળવારે આમને-સામને હશે ત્યારે ફોકસ સ્પિન બોલર્સ પર હશે. ઇંગ્લેન્ડ ટીમ હજુ સુધી તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરી શકી નથી. જો કે શ્રીલંકા સામેની સુપર-8ની જીતથી તેનું મનોબળ વધ્યું છે. શ્રીલંકા સામેની પ1 રનની જીતથી ઇંગ્લેન્ડનો નેટ રન રેટ પણ સારો છે. આથી હાલ તે ગ્રુપ-બેમાં ટોચ પર છે.
શ્રીલંકા
સામે 147 રનના સામાન્ય લક્ષ્યાંકનો બચાવ ઇંગ્લેન્ડે સારી રીતે કરી બતાવ્યો હતો. સ્પિનર
લિયામ ડોસન પણ સફળ રહ્યો હતો. ઇંગ્લેન્ડની ચિંતા ટોપ ઓર્ડરના બેટર્સનું આઉટ ઓફ ફોર્મ
હોવું છે. ફિલ સોલ્ટે લંકા સામે અર્ધસદી કરી હતી. બાકીના બેટર્સ બટલર, બેથેલ, કપ્તાન
બ્રુક નિષ્ફળ રહ્યા હતા.
બીજી
તરફ પાકિસ્તાનનો સુપર-8 રાઉન્ડનો મેચ ન્યુઝીલેન્ડ સામે હતો. જે વરસાદમાં ધોવાઈ ગયો
હતો. આથી તેની પાસે હાલ 1 અંક છે. સેમિ ફાઇનલમાં પહોંચવા માટે તેને હરહાલમાં ઇંગ્લેન્ડ
સામે જીત જરૂરી છે. ઇંગ્લેન્ડની બાધા પાર કરવા માટે તેની સ્પિનર્સ ચાવીરૂપ ભૂમિકામાં
રહેશે. જો કે પાક.ની બેટિંગ પણ ચિંતાનો વિષય છે. તેઓ સારા સ્પિનર સામે ટકી શકતા નથી.
પાક. ટીમ તેના સૌથી અનુભવી બેટધર બાબર આઝમ પર વધુ એક વાર જુગાર ખેલી શકે છે.