કુલ આવકની 47 ટકા રકમ તો પગાર, પેન્શન, વ્યાજ માટે ખર્ચ થઈ જશે
અમદાવાદ, તા.22 : ગુજરાત સરકારના
વર્ષ 2026-27ના વાર્ષિક બજેટની જાહેરાત થઈ ચૂકી છે. જેમાં દર્શાવાયેલા સરકારના નવા
દેવા, કુલ દેવા અને તેની પાછળ વ્યાજની ચુકવણીના આંકડા ચોંકાવનારા છે. રાજ્ય સરકાર
2026-27ના એક વર્ષમાં રૂ.1,00,000 કરોડનું નવું દેવું કરવાની છે. જેનાં કારણે 31 માર્ચ,
2027 સુધીમાં ગુજરાતનું કુલ જાહેર દેવું વધીને રૂ.4,87,069 કરોડને પાર કરશે. આ વધતા
જતા દેવાની ભયાનક અસર વ્યાજના આંકડામાં દેખાઈ રહી છે. ગુજરાત સરકાર કુલ દેવાના વ્યાજ
પેટે 2026-27માં કુલ રૂ.33,019 કરોડનું ચૂકવણું કરશે અને હાથમાં માત્ર રૂ.67,000 કરોડ
જ બાકી રહેશે. આ સ્થિતિ સૂચવે છે કે સરકારની કમાણીનો મોટો હિસ્સો વિકાસનાં કામોને બદલે
દેવું ચૂકવવામાં અને વહીવટી ખર્ચમાં જ ખર્ચાઈ જશે. વર્ષ 2025-26માં વ્યાજની ચુકવણી
રૂ.27,095 કરોડ હતી, જે 2026-27માં વધીને રૂ.33,019 કરોડ થવાનો અંદાજ છે. એટલે કે માત્ર
એક જ વર્ષમાં વ્યાજના બોજમાં 21.8 ટકાનો ધરખમ વધારો થશે. વર્ષ 2026-27માં રાજ્ય સરકાર
જ રૂ.1 લાખ કરોડનું નવું દેવું લેશે તેમાં 85,000 કરોડ આંતરિક દેવું અને રૂ.15,000
કરોડ કેન્દ્ર સરકારની લોનનો સમાવેશ થાય છે. ચિંતાનો વિષય એ છે કે, મહેસૂલ પુરાંત રૂ.25,587
કરોડ અંદાજવામાં આવી હોવા છતાં વધતું જતું જાહેર દેવું અને વ્યાજનો ચક્રવૃદ્ધિ બોજ
લાંબા ગાળે રાજ્યની તિજોરી પર દબાણ લાવી શકે છે.
વર્ષ 2026-27ના અંદાજ મુજબ કુલ
મહેસૂલી ખર્ચના અંદાજે 21.8 ટકા રકમ સરકારી કર્મચારીઓના પગાર પાછળ ખર્ચાશે. એવી જ રીતે
નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શન પાછળ 12.1 ટકા હિસ્સો વપરાશે. જૂના દેવા પરના વ્યાજ
ચૂકવવામાં 13.15 ટકા રકમ જશે. આમ પગાર, પેન્શન અને વ્યાજ મળીને કુલ મહેસૂલી ખર્ચનો
આશરે 47.05 હિસ્સો તો આ ફરજિયાત ખર્ચ પાછળ વપરાઈ જશે. સરકારને જે વાર્ષિક આવક થશે તેમાંથી
તો માત્ર 53 ટકા જ કામમાં આવશે. 2023-24માં જે દેવું રૂ.3.52 લાખ કરોડ હતું, તે
2026-27ના અંત સુધીમાં વધીને રૂ.4.87 લાખ કરોડ થઈ જશે. જોકે, સરકારનો જી.એસ.ડી.પી.
(રાજ્યની કુલ વાર્ષિક આવક) પણ વધીને રૂ.33.24 લાખ કરોડ થવાનો અંદાજ છે, પરંતુ વ્યાજની
રોકડ રકમમાં થઈ રહેલો વધારો વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટેના બજેટમાં કાપ લાવી શકે છે.