તાલાલાના જાવંત્રી ગીર ગામે જમીન વિવાદમાં
તાલાલા,તા.22: તાલાલા તાલુકાનાં
જાવંત્રી ગીર ગામે જમીનના વિવાદમાં ચાર રાઉન્ડ ફાયરીંગ કરી આઠ શખ્સો દ્વારા ઘાતકી હુમલો
કરી જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં એક વૃધ્ધા ગંભીર રીતે દાઝી
જતાં જુનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન વૃધ્ધાનું મૃત્યુ
થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ શરૂ કરી
છે.
જાણવા મળતી વિગત મુજબ વર્ષોથી
ચાલતા વિવાદમાં કોર્ટના હુકમથી સોંપેલી જમીન પરત લેવા જાવંત્રી ગીર ગામના આઠ શખ્શોએ
ફરીયાદી કાસમભાઈ બાદરાણીનાં ઘર ઉપર ત્રાટકી ચાર રાઉન્ડ ફાયરીંગ કરી જમીન ખાલી કરવાની
ધમકી આપી હતી. તેમજ પેટ્રોલથી ઘરને આગ ચાંપી દીધી હતી. જેમાં વૃધ્ધા હુસેનાબેન અબ્દુલભાઈ
બદરાણી ઉ.વ.75 ગંભીર રીતે દાઝી ગયા હતા.જેમને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં
આવતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવમાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો
કરી વધુ તપાસ હાથ ધરી છે.
જાવંત્રી ગીર ગામે જીવલેણ હુમલો
કરનાર શખ્સો પૈકી પોલીસે ચાર આરોપીઓને રાઉન્ડ અપ કરી ઉંડાણપૂર્વકની પુછપરછ શરૂ કરી
છે. તમામ આરોપીઓને સોમવારે કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરવામાં આવશે.આ કથિત
કૃત્યનો મુખ્ય આરોપી સહિત ફરાર શખ્શો ને ઝડપી લેવા તાલાલા ઈનચાર્જ પી.આઈ.એ.બી.ગોહીલે
અલગ અલગ ટીમો મોકલી વધુ તપાસ હાથ ધરી છે.