• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

T-20 વિશ્વ કપમાં ભારતના વિજય રથ પર આફ્રિકાની લગામ

અમદાવાદ તા.22: ટી-20 વિશ્વ કપમાં ટીમ ઇન્ડિયાના સતત 12 મેચથી ચાલ્યા આવતા વિજયરથ પર દ. આફ્રિકાએ લગામ કસી છે. સુપર-8 રાઉન્ડના આજના મેચમાં ભારત સામે દ. આફ્રિકાનો 76 રને શાનદાર વિજય થયો હતો. આથી ભારતીય ટીમની 2024થી ચાલી રહેલ વિશ્વ કપ જીતનો ક્રમ થંભી ગયો હતો. 188 રનના વિજય લક્ષ્યાંક સામે સૂર્યસેના 18.પ ઓવરમાં 111 રનમાં ઢેર થઇ ગઇ હતી. આફ્રિકા તરફથી મિલરની અર્ધસદી પછી યાનસને 4 વિકેટ લીધી હતી.

આફ્રિકાની શાનદાર બોલિંગ-ફિલ્ડીંગ સામે ભારતનો કોઇ બેટધર ક્રિઝ પર ટકી શકયો ન હતો. શિવમ દૂબેએ સર્વાધિક 42 રન કર્યાં હતા. 3 ઝીરો પછી અભિષેકે 1પ રન કર્યાં હતા. ઇશાન ખાતું ખોલાવી શકયો ન હતો. તિલક 1 રન જ કરી શકયો હતો. પાવર પ્લેમાં 31 રનમાં 3 વિકેટ ગુમાવી દેવાથી ભારતીય ટીમના હાથમાંથી મેચ સરકી ગયો હતો. આ પછી સૂર્યકુમાર 18, સુંદર 11 અને હાર્દિક 18 રન કરી આઉટ થયા હતા. કેશવ મહારાજે 1પમી ઓવરમાં હાર્દિક, રિંકુ અને અર્શદીપની વિકેટ લીધી હતી. ખાસ વાત એ રહી હતી કે આ ત્રણેયના કેચ સ્ટબ્સે ઝડપી લીધા હતા.

અગાઉ દ. આફ્રિકી કપ્તાન એડન માર્કરમે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી. પ્રારંભે તેનો આ જુગાર નિષ્ફળ રહ્યો હતો અને પાવર પ્લેમાં જ 41 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી અનુભવી ડેવિડ મિલર (63) અને યુવા ડેવાલ્ડ બ્રેવિસ (4પ) વચ્ચેની ચોથી વિકેટની ભાગીદારીથી ભારતીય બોલર્સ ભીંસમાં આવી ગયા હતા. ડેથ ઓવર્સમાં ટ્રિસ્ટન સ્ટબ્સે પાવર હિટિંગ કરી અણનમ 44 રન કર્યાં હતા. આથી દ. આફ્રિકાએ 20 ઓવરમાં 7 વિકેટે 187 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.

ડિ’કોક (4) અને રિકલટન (7) શરૂઆતમાં બુમરાહના શિકાર બન્યા હતા. જયારે અર્શદીપે આફ્રિકી કપ્તાન માર્કરમ (4)ની વિકેટ લીધી હતી. 20 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ મિલર અને બ્રાવિસે ભારતીય બોલર્સ પર કાઉન્ટર એટેક કરી આફ્રિકાની વાપસી કરાવી હતી. આ બન્ને વચ્ચે ચોથી વિકેટમાં પ1 દડામાં 97 રનની વિદ્યૃતવેગી ભાગીદારી થઇ હતી. આ દરમિયાન ટીમ ઇન્ડિયાનો ટ્રમ્પ કાર્ડ વરૂણ ચક્રવર્તી પણ ધોવાઇ ગયો હતો. બ્રાવિસ 29 દડામાં 3 ચોક્કા-3 છક્કાથી 4પ અને મિલર 3પ દડામાં 7 ચોક્કા-3 છક્કાથી ધૂંઆધાર 63 રને આઉટ થયા હતા. અંતમાં ટ્રિસ્ટન સ્ટબ્સ 24 દડામાં 1 ચોક્કા-3 છક્કાથી 44 રને નોટઆઉટ રહ્યો હતો. તેણે ઇનિંગના આખરી બે દડામાં બે છક્કા ફટકાર્યાં હતા. આથી હાર્દિકે અંતિમ ઓવરમાં 20 રનનો ખર્ચ કર્યોં હતો. જેથી આફ્રિકાનો ટોટલ 187 રને પહોંચ્યો હતો.

બુમરાહએ ફરી એકવાર શાનદાર બોલિંગ કરી 1પ રનમાં 3 વિકેટ લીધી હતી. અર્શદીપને 2 વિકેટ મળી હતી. શિવમ અને વરૂણના ફાળે 1-1 વિકેટ રહી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક