• મંગળવાર, 03 માર્ચ, 2026

રૂનું ઉત્પાદન 309.50 લાખ ગાંસડી થવા અંદાજ ગુજરાતમાં 75 લાખ ગાંસડી પ્રેસિંગ થશે: કોટન એસોસીએશન

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ, તા.6 : ગુજરાતમાં 75 લાખ ગાંસડી કપાસના પ્રેસિંગ સાથે ભારતભરમાં કુલ 309.50 લાખ ગાંસડી જિનીંગ મિલોમાં પ્રેસિંગ કરવામાં આવશે તેવો અંદાજ કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયાએ શનિવારે વ્યક્ત કર્યો હતો. સંસ્થાએ આગલા અંદાજમાં 4.5 લાખ ગાંસડીનો વધારો કર્યો હતો. સંસ્થાએ ગુજરાતનો પાક 3 લાખ ગાંસડી વધારીને 75 લાખ ગાંસડી કર્યો છે. મહારાષ્ટ્રમાં પણ પાક 3 લાખ ગાંસડી વધારીને 91 લાખ ગાંસડી કરાયો છે. કર્ણાટકમાં 1 લાખ ગાંસડી વધીને 26 લાખ ગાંસડી તથા તેલંગણામાં અઢી લાખ ગાંસડી ઘટીને 40.50 લાખ ટનનો પાક અંદાજ મૂકાયો છે.

કોટન એસોસીએશનની સમિતિએ 11 રાજ્યના અભ્યાસ પછી આ અંદાજો વ્યક્ત કર્યા હતા. ક્રોપ સમિતિના ચેરમેન અતુલ ગણાત્રા કહે છે, ઓક્ટોબર 2025માં 69 લાખ ગાંસડીનું પ્રેસિંગ સમગ્ર દેશમાં થઇ ગયું છે. જે ગયા વર્ષ જેટલું જ છે. જોકે પાછલા વર્ષ કરતા અત્યારે સ્થિતિ જુદી છે. કારણકે સીસીઆઇએ પાછલા વર્ષમાં આક્રમક ખરીદી શરૂ કરી લીધી હતી.  2025માં પંદર દિવસ મોડું ચાલી રહ્યું છે એ કારણે માર્કેટ યાર્ડમાં અત્યાર સુધી આવક સારી રહી છે. આયાત અંગે તેમણે જણાવ્યું કે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર 2026ની સીઝનમાં આયાત 5 લાખ ગાંસડી વધી જાય તેમ છે. ચાલી રહેલી મોસમમાં 50 લાખ ગાંસડી આયાત થઇ શકે છે. 11 ટકા જકાત મુક્તિ ડિસેમ્બર અંતસુધી ચાલુ રહેશે એટલે તે ગાળામાં 30-35 લાખ ગાંસડી આયાત થઇ શકે છે. બાકીની ગાંસડીઓ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાથી ડયૂટ્રી ફ્રી ક્વોટામાં આવી શકશે. નિકાસમાં એકાદ લાખ ગાંસડી વધારે જશે એટલે કુલ આંક 18 લાખ ગાંસડી સુધી જઇ શકે છે. ભારતમાં રૂની ગાંસડીનો વપરાશ 295 લાખ ગાંસડી થવાનો અંદાજ છે.

ભારતમાં ચાલુ મોસમને અંતે રૂનો સ્ટોક 107.09 લાખ ગાંસડી રહી જવાની ધારણા છે. પાછલા બે વર્ષમાં કુલ 91 લાખ ગાંસડીની આયાત થઇ છે તેની સામે નિકાસ 36 લાખ ગાંસડી જ થઇ શકવાની છે એ બધો સ્ટોક અત્યારે પુરાંત તરીકે દેખાય છે.

ચાલુ કપાસ મોસમમાં ખૂલતો સ્ટોક 60.59 લાખ ગાંસડી રહ્યો હતો. અત્યાર સુધીમાં 69.79 લાખ ગાંસડી પ્રેસિંગ થયું છે અને 18 લાખ ગાંસડી આયાત થઇ ગઇ છે. આમ નવેમ્બરના અંત સુધીમાં 148.37 લાખ ગાંસડીનો પુરવઠો મળ્યો છે.એ પૈકી 48.40 લાખ ગાંસડી વપરાશ થઇ ગયો છે. 3 લાખ ગાંસડી નિકાસ થઇ છે અને 50 લાખ ગાંસડી મિલો પાસે સ્ટોકમાં છે. સીસીઆઇ, જિનરો, ટ્રેડરો અને મલ્ટીનેશનલ કંપનીઓ પાસે કુલ 46.97 લાખ ગાંસડીનો સ્ટોક પડયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક