• મંગળવાર, 03 માર્ચ, 2026

પૂર્વ ઈંઙજ પ્રદીપ શર્માને ઇડી કોર્ટે 5 વર્ષની સજા ફટકારી

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા. 6: ગુજરાતના રાજકારણ અને વહીવટીતંત્રમાં ચકચાર મચાવનારા વેલસ્પન ગ્રુપની કંપનીને ગેરકાયદે જમીન વેચવાના કેસમાં નિવૃત્ત આઇએએસ અધિકારી પ્રદીપ શર્માને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદની વિશેષ ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) કોર્ટે તેમને દોષિત જાહેર કરીને પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે પ્રદીપ શર્મા હાલમાં જે કેસમાં સજા ભોગવી રહ્યા છે, તેનાથી આ સજા અલગથી ભોગવવાની રહેશે તેમજ ટાંચમાં લીધેલી પ્રોપર્ટી સરકાર હસ્તક જ રહેશે.

આ કેસ પ્રદીપ શર્મા જ્યારે કચ્છ જિલ્લાના કલેક્ટર હતા, તે સમયનો છે. તત્કાલીન કચ્છ કલેક્ટર પ્રદીપ શર્મા પર આરોપ હતો કે તેમણે વેલસ્પન ગ્રુપની કંપનીને નિયમો વિરુદ્ધ જઈને સસ્તા ભાવે જમીન આપી હતી. આ સોદાથી રાજ્ય સરકારને કરોડો          રૂપિયાનું નુકસાન પહોંચાડયું હતું. ભ્રષ્ટાચાર દ્વારા મેળવેલા કરોડો રૂપિયા તેમણે અમેરિકામાં રહેતા પુત્ર અને પુત્રીના બેંક ખાતાઓમાં મોકલ્યા હતા. આ મામલે રાજકોટ સીઆઇડી ક્રાઇમ પોલીસ મથકમાં વર્ષ 2010માં ફરિયાદ નોંધાઈ હતી.

આર્થિક ગેરરીતિ બદલ ઇડી દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે આવેલી વિશેષ પીએમએલએ (પ્રિવેન્શન અૉફ મની લોન્ડરીંગ એક્ટ) કોર્ટમાં વર્ષ 2016માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ જ કેસમાં તેમને હવે સજા સંભળાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વેલસ્પન ગ્રુપ ઓફ કંપનીઝના માલિકો સાથે મળીને યુએસ માં રહેતી પોતાની પત્ની શ્યામલ શર્માને સહયોગી પેઢી વેલ્યુ પેકેજીંગ પ્રાઇવેટ લિમીટેટમાં 30 ટકાના ભાગીદાર બનાવ્યા હતા. 2007 સુધી શ્યામલ શર્માએ કોઈ મૂડી રોકાણ નહોતું કર્યું, જ્યારે 2008માં 1 લાખનું રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. એપ્રિલ 2008 થી જૂન 2009 દરમિયાન શ્યામલ શર્માને નફાના હિસ્સા મુજબ અંદાજિત 28 લાખ રૂપિયા મળ્યા હતા. આ રકમમાંથી 22 લાખ રૂપિયા તેમના એનઆરઓ  એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રદીપ શર્માએ આ નાણાંનો ઉપયોગ ગાંધીનગરમાં તેમના ઘરમાં બાંધકામ માટે લીધેલી લોન ચૂકવવા અને ગાંધીનગર દહેગામ ખાતેની જમીન ખરીદવા માટે કરી હોવાનો આરોપ હતો. આ ઉપરાંત તેમણે હવાલા મારફતે ભારતથી અમેરિકામાં મોટી રકમ ટ્રાન્સફર કરી હોવાનો પણ આરોપ હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક