જામનગરમાં ‘આપ’ના ધારાસભ્ય ઉપર જોડું ફેકનારા શખસનો વીડિયો સામે આવ્યો
(ફૂલછાબ
ન્યુઝ)
જામનગર,
તા.6: આમ આદમી પાર્ટી દ્વારા ગઇકાલે સાંજે ગુજરાત જોડો યાત્રાના અનુસંધાને ટાઉનહોલ
ખાતે યોજાયેલી જાહેરસભામાં વિસાવદરના ધારાસભ્ય અને આપના સિનિયર નેતા ગોપાલ ઇટાલિયા
પર એક શખસે જોડું ફેકતા વાતાવરણમાં ભારે તંગદીલી જોવા મળી હતી અને ખુરશીઓ પણ ઉછળી હતી,
લોકોએ આ શખસને ઢોર માર માર્યો હતો, ત્યારબાદ પોલીસ તેને પકડીને જી.જી. હોસ્પિટલમાં
સારવાર માટે લઇ ગઇ હતી, કોંગ્રેસના આ કાર્યકરે પોલીસ સમક્ષ જણાવ્યુ હતું અગાઉ સાત આઠ
વર્ષ પહેલા તે વખતના ગૃહમંત્રી પ્રદીપાસિંહ જાડેજા પર ગોપાલ ઇટાલિયાએ કરેલા હુમલાનો
મે બદલો લીધો હતો. જામનગર શહેરમાં શુક્રવારે સાંજે આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું
હતું અને ટાઉનહોલમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ‘આપ’ ના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સંબોધન
કરી રહ્યા હતા, જે દરમિયાન તેઓ ઉપર જોડું ફેંકવામાં આવ્યું હતું, અને ભારે અફરાતફરી
સર્જાઈ હતી. આખરે આ જોડું ફેકનારા વ્યક્તિ મીડિયા સમક્ષ આવ્યા હતા. જેણે પોતાનું નામ
છત્રપાલાસિંહ જાડેજા અને મેમાણા ગામના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. અગાઉ પ્રદીપાસિંહ
જાડેજા કે જેઓ ગુજરાત રાજ્ય સરકારમાં મંત્રી હતા, ત્યારે તેઓ ઉપર જાહેર સભા દરમિયાન
જોડું ફેંકવામાં આવ્યું હતું ત્યારથી પોતાને વસવસો રહી ગયો હતો, અને પોતાના સમાજનો
બદલો વાળવાના ભાગરૂપે મોકો ગોતીને તે ઘટનાનો બદલો વાળ્યો હતો અને પોતાની જાતને સંતોષ
વ્યક્ત કર્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું છે.