મોટાભાગના
શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં 4 સેલ્સિયસ સુધી ઓછું : અમરેલી 13.2, રાજકોટ 14.8, નલિયા
15.8, અમદાવાદ અને વડોદરામાં પણ 15 ડિગ્રી તાપમાન
રાજકોટ
તા.12: કમોસમી વરસાદનો માહોલ વિખેરાતા હવે શિયાળાનો પગરવ થયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાશ્શિયાળો
ધીમે ધીમે જામી રહ્યો છે અને ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહયો છે. આજરોજ સવારે રાજકોટ
અને અમરેલીમાં નલિયાથી પણ વધુ ઠંડી નોંધાવા પામી હતી. આજે સવારે અમરેલી ખાતે 13.2 ડિગ્રી
સાથે રાજયની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. તેમજ રાજકોટ શહેરમાં 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન
નોંધાયું હતું.
સવારનું
તાપમાન ઘટવા સાથે રાજયમાં ઠેર-ઠેર બપોરનું મહતમ તાપમાન પણ ઘટવા લાગ્યું છે. ગઈકાલે
રાજકોટ સહિત વિવિધ સ્થળોએ 28થી 32 ડિગ્રી વચ્ચે મહતમ તાપમાન નોંધાતા લોકોને ગરમીનો
અહેસાસ થયો ન હતો. હવે વહેલી સવારે ગુલાબી ઠંડીનો માહોલ છવાયો છે, અને લોકો પણ આ ઠંડીની
મજા માણતા જોવા મળી રહ્યા છે. બગીચાઓ અને ખુલ્લા મેદાનોમાં લોકોને કસરત, યોગા અને પ્રાણાયામ
કરતા જોવા મળ્યા છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ તંદુરસ્તી માટે વહેલી સવારે બહાર
નીકળી રહ્યા છે. કોઈ દોડ કરી રહ્યા છે તો કોઈ સૂર્યનમસ્કાર કરી દિવસની શરૂઆત કરી રહ્યા
છે. ઠંડીની આ સવારમાં આરોગ્ય સાથે આનંદ લેતા નજરે પડ્યા હતા.
રાત્રિના
તાપમાનમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. 13.2 સેલ્સિયસના લઘુત્તમ તાપમાન સાથે અમરેલી
રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું, જે સામાન્ય તાપમાન કરતાં 4.4 સેલ્સિયસ ઓછું
છે. પાટનગર ગાંધીનગરમાં પણ પારો 14.5 સેલ્સિયસ સુધી ગગડ્યો હતો, જે સામાન્ય કરતાં
4.6 સેલ્સિયસનો મોટો ઘટાડો સૂચવે છે. સૌરાષ્ટ્રના અન્ય મુખ્ય શહેરોમાં પણ ઠંડીનું જોર
રહ્યું હતું. રાજકોટમાં તાપમાન 14.8 સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 4.3 સેલ્સિયસ
ઓછું હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.5 સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય કરતાં 2.2
સેલ્સિયસ ઓછું છે. આ ઉપરાંત વડોદરા (15.8 સેલ્સિયસ), ભાવનગર (16.4 સેલ્સિયસ), પોરબંદર
(16.5 સેલ્સિયસ) અને સુરત (16.6 સેલ્સિયસ) માં પણ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.6
સેલ્સિયસથી 3.7 સેલ્સિયસ સુધી ઓછું નોંધાયું હતું.
જામનગર:
શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણમાં ઠંડક પ્રસરતી જાય છે. વહેલી સવારે
ઠંડકભર્યા વાતાવરણને લીધે મોર્નિંગ વોક કરનારા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો
છે. આજે જામનગરમા લઘુતમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું.
ભાવનગર:
ગોહીલવાડ પંથકમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. આજે લઘુતમ તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું
હતું.