સીંગતેલ
સપ્તાહમાં રૂ.35 અને કપાસિયા તેલ રૂ. 65 વધ્યું
રાજકોટ,
તા.2(ફૂલછાબ ન્યૂઝ): ઘરઆંગણે ખાદ્યતેલની ચિક્કાર આયાત છતાં સીંગતેલ અને કપાસિયા તેલના
ભાવમાં તેજી થઇ છે. અલબત્ત જેની આયાત જૂનમાં 11 મહિનાની ઉંચાઇએ પહોંચી છે એવા પામતેલનો
ભાવ સ્થિર થઇ ગયો છે. સીંગતેલના ભાવમાં ડબે રૂ. 35 અને કપાસિયા તેલમાં ડબે રૂ. 65નો
ઉછાળો સપ્તાહમાં જોવા મળ્યો છે. કપાસની મોસમ પૂરી થવાને લીધે કપાસિયાની અછત સર્જાતા
કપાસિયા તેલ વધ્યું છે તેમ બ્રોકરો કહે છે. જોકે મગફળીનું પુષ્કળ વાવેતર છે. જૂનો સ્ટોક
ચિક્કાર છે છતાં ભાવ ઉંચકાયા છે.
સીંગતેલનો
ભાવ પાછલા સપ્તાહમાં રૂ. 35 ઉંચકાતા રૂ.2375-2425 થઇ ગયો છે. જ્યારે કપાસિયા તેલનો
ડબો રૂ. 65 વધીને રૂ.2205-2255 હતો. બન્ને દેશી તેલમાં ઝડપી તેજી આવી ચૂકી છે. બ્રોકરોએ
કહ્યું કે, મગફળીનો જથ્થો પુષ્કળ છે. નાફેડ પાસે ટેકાના ભાવમાં ખરીદવામાં આવેલી આશરે
7 લાખ ટન મગફળી પડેલી હોવાનો અંદાજ છે. એ ઉપરાંત ઉનાળુ પાક એકાદ લાખ ટન માનવામાં આવે
છે. જેની 50 ટકા જેટલી આવક પણ હજુ થઇ નથી. એવામાં ખરીફ વાવણી રેકોર્ડબ્રેક થઇ ચૂકી
છે. મંદીના કારણો છતાં સીંગતેલ પર તેની અસર નથી.
મલેશિયામાં
પામતેલ વાયદામાં જબરો ઉછાળો આવવાને લીધે સીંગતેલ પણ વધારાયું હોવાનું બ્રોકરોનું કહેવુ
છે. જોકે ભાવવધારો કૃત્રિમ હોવાને લીધે ટકાઉ નથી. વરસાદી માહોલને લીધે સીંગતેલ સહિતના
ખાદ્યતેલનો ઉપાડ વધ્યો છે પણ મોટી તેજી થઇ જાય એમ નથી. અલબત્ત કપાસિયા તેલ વધ્યું છે
તેના બે કારણો છે એમ કહેતા બ્રોકર વર્ગ કહે છે, કપાસના નબળા ઉત્પાદન પછી હવે કપાસિયાની
ભારે ખેંચ છે. કપાસિયામાં સડસડાટ તેજી થઇ છે. પીલાણ મિલો બંધ જેવી સ્થિતિમાં છે. એ
ઉપરાંત પામતેલમાં એકાએક તેજી આવવાને લીધે પણ કપાસિયા તેલમાં ઉત્પાદકોએ ભાવવધારો કર્યો
છે. કપાસિયા તેલની માગ પણ થોડી સુધરી છે.
જોકે
પામતેલની ઘરઆંગણે રેલમછેલ હોવાને લીધે ભાવ રૂ. 1885-1890 ચાલે છે. જ્યારે સૂર્યમુખીના
ડબાનો ભાવ રૂ. 2070-2090 ચાલી રહ્યો છે. સૂર્યમુખીના ભાવ લાંબા સમયથી સ્થિર છે.