• રવિવાર, 06 જુલાઈ, 2025

રેતી, કપચી, માટી સહિતના ખનીજો પર રોયલ્ટીની રકમ રાતોરાત બમણી કરાઇ

પહેલેથી જ મોંઘું થતું બાંધકામ વધુ મોંઘુ થશે : બાંધકામ ઉદ્યોગમાં હડકંપ, વિરોધનો સૂર ઉઠયો

અમદાવાદ, તા. 2:  રેતી, કપચી, સાદી માટી સહિતના ખનિજો પર વસૂલાતી રોયલ્ટીની રકમ રાતોરાત બમણી કરવામાં આવતા ખનિજ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉત્પાદકો અને વેપારીઓને આંચકો લાગ્યો છે. સરકારે રોયલ્ટી ઉપરાંત તેટલી જ રકમનું પ્રીમિયમ વસૂલવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે ખનિજોની રોયલ્ટી લગભગ બમણી થઈ ગઈ છે. આ નિર્ણયની તાત્કાલિક અસરથી ખનિજ ઉત્પાદન અને વેપાર સાથે સંકળાયેલા લોકોમાં આંતરિક વિરોધ શરૂ થયો છે, અને ખનિજ ચોરીની શક્યતા પણ વધી ગઈ છે. આ નિર્ણયના કારણે બાંધકામ ઉદ્યોગ પર પણ માઠી અસર પડે તેવી શક્યતા છે.

 ગુજરાતમાં ખનિજોની રોયલ્ટીના દરમાં છેલ્લો વધારો 2015માં કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ ગત 10 વર્ષથી કોઈ ફેરફાર થયો ન હતો. સામાન્ય રીતે રાજ્ય સરકાર દર વર્ષે રોયલ્ટીમાં 30 ટકાનો વધારો કરતી હતી, પરંતુ 2017ના જાહેરનામા મુજબ, નવી ખનિજ લીઝ 100 ટકા પ્રીમિયમ સાથે એલોટ કરવામાં આવતી હોવાથી રોયલ્ટીના દરમાં વધારો શક્ય ન હતો. જોકે, 1 જુલાઈ 2025ના રોજ સરકારે રાતોરાત જાહેરનામું બહાર પાડીને રોયલ્ટીની રકમ ઉપરાંત તેટલી જ રકમનું પ્રીમિયમ વસૂલવાનો નિર્ણય લીધો, જેના કારણે ખનિજોની રોયલ્ટી બમણી થઈ ગઈ છે.

ગુજરાત સરકારનું કહેવું છે કે આ નિર્ણય રાજ્યની આવક વધારવા અને ખનિજોના નિયમનને વધુ મજબૂત કરવા માટે લેવામાં આવ્યો છે.

બંધ પોર્ટલ શરૂ થયું ત્યારે રોયલ્ટી  ઉપરાંત સો ટકા પ્રિમીયમ ઝીંકાયું

30 જૂન 2025ને સોમવારની સાંજે રોયલ્ટી ભરવા માટેનું ઓનલાઈન પોર્ટલ અચાનક ચાર કલાક માટે બંધ રહ્યું હતું. જ્યારે પોર્ટલ ફરી શરૂ થયું, ત્યારે નવા રોયલ્ટી દરો દેખાતા હતા, જેમાં રોયલ્ટી ઉપરાંત 100 ટકા પ્રીમિયમનો સમાવેશ થયો હતો. આ અચાનક ફેરફારથી ખનિજ ઉત્પાદકો અને વેપારીઓને મોટો આંચકો લાગ્યો છે. નવા દરો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે, જેના કારણે ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં અસંતોષ ફેલાયો છે.

આ રહ્યા નવા રોયલ્ટી દર

સરકારે રેતી, કપચી, સાદી માટી, અને જિપ્સમ જેવા મહત્વના ખનિજો પર રોયલ્ટીના નવા દરો જાહેર કર્યા છે જે અનુસાર કપચીમાં 90, (જૂના દર 45) રેતીમાં 80 (40), સાદી માટી 50 (25) જિપ્સમ પર 90(45) એમ બમણો વધારો કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઉત્પાદકોએ રોયલ્ટીની રકમ ઉપર 18 ટકા ઋજઝ, 10 ટકા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ (ઉખિ), અને મટિરિયલના વેચાણ પર વધારાનો 5 ટકા ઋજઝ ભરવો પડશે. આનાથી ખનિજોની કુલ કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે, જે બાંધકામ ઉદ્યોગ અને અંતિમ ગ્રાહકો પર અસર કરે તેવી શક્યતા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક