રાજકોટ, તા.17 : શહેરમાં અલગ
અલગ ચાર સ્થળે વૃદ્ધાઓને યેનકેન બહાને વિશ્વાસમાં લઈ બેભાનીયું પીણું પીવડાવી અર્ધબેભાન
કર્યા બાદ ફડાકા મારી રોકડ-સોના-ચાંદીના દાગીના સહિતની મતાની લૂંટ ચલાવી અજાણ્યા પુરુષ-મહિલા
ફરાર થઈ ગયાના બનાવો પોલીસમાં નોંધાયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી
હતી. દરમિયાન તાલુકા પોલીસે મહુવા પંથકના દંપતીને ઝડપી લઈ મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, મવડી
કણકોટ રોડ પર લાલુભાઈ પારેખ ટાઉનશીપમાં રહેતા
પુષ્પાબેન લાલજીભાઈ નકુમ નામના વૃદ્ધા સંક્રાંતના દિવસે રામધણ આશ્રમ દર્શન કરવા ગયા
હતા. બાદમાં પુષ્પાબેનને દવાખાને જવું હોય પગપાળા સાવન ચોકમાં આવ્યા હતા અને ત્યાં
રાહદારીઓને પૂછતાછ કરતા દવાખાનું બંધ હોવાનું જણાવતા ઉભા રહ્યા હતા ત્યારે અજાણ્યા
ત્રી-પુરુષ આવ્યા હતા અને દવાખાને લઈ જવાની વાત કરી હતી. આગળ ચાની કેબીન હોય ત્યાં
લઈ ગયા હતા અને ચા પીવડાવી હતી. બાદમાં પુષ્પાબેનને માથું ભારે લાગવા લાગ્યું હતું
અને મહિલાની પાછળ ચાલવા લાગ્યા હતા અને બાદમાં આગળ જતા અજાણ્યા શખસે સોડા પીવડાવી હતી
અને પુષ્પાબેનનું માથું વધુ દુખવા લાગ્યું હતું અને બાદમાં મહિલાએ નજીકમાં રેતીનો ઢગલો
પડયો હોય ત્યાં સુઈ જવાનું કહેતા પુષ્પાબેન બેસી ગયા હતા અને બાદમાં અજાણી મહિલાએ પુષ્પાબેનને
ફડાકા માર્યા હતા અને પુષ્પાબેન અર્ધબેભાન થઈ ગયા હતા ત્યારે સોનાની બુટી, દાણો અને
રૂ.400ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા અને પુષ્પાબેનને કોઈએ હોસ્પિટલમાં પહોંચાડયા બાદ
ગઠિયા ભેટી ગયાની જાણ થઈ હતી. આ અંગે પોલીસે પુષ્પાબેન નકુમની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો
હતો.
તેમજ માધાપરના આંબેડકનગરમાં રહેતા
નાથીબેન ડાયાભાઈ પરમાર નામના વૃદ્ધા જૂની કલેક્ટર કચેરીએ કામે આવ્યા હતા અને પરત ઘેર
જવા મોચી બજારમાં આવ્યા હતા ત્યારે ચક્કર આવતા બેસી ગયા હતા ત્યારે અજાણ્યા ત્રી-પુરુષ
આવ્યા હતા અને તમારા દીયર હીરાભાઈને ઓળખું છું તેમ કહી નજીકમાંથી લચ્છી લાવ્યા હતા
અને લચ્છી પીધા બાદ અર્ધબેભાન થઈ ગયા હતા અને નાથીબેન પાસેથી અજાણી મહિલાએ બુટિયા લેવાનો
પ્રયાસ કરતા નાથીબેનએ અટકાવતા ફડાકા મારી બુટિયા, સાંકળા અને મોબાઈલ મળી કુલ રૂ.1.07
લાખની મતાની લૂંટ ચલાવી નાસી છુટયા હતા. આ અંગે પોલીસે નાથીબેનની ફરિયાદપરથી બન્ને
સામે ગુનો નોંધ્યો હતો.
તદઉપરાંત મોચીબજારના તિલક પ્લોટમાં
રહેતા જાનાબેન હરીભાઈ ખીમસુરિયા નામના વૃદ્ધા જ્યુબેલી શાકમાર્કેટમાં શાક લેવા ગયા
હતા ત્યારે અજાણી મહિલા આવી હતી અને તું મારી દીકરી છે તને ઠંડુ પીવડાવું છે તેમ કહી
લચ્છી અને ગુલાબનું સરબત પીવડાવ્યું હતું અને બાદમાં જાનાબેન અર્ધબેભાન થઈ ગયા હતા
અને બળજબરીથી બુટિયા ખેંચતા જાનાબેને અટકાવતા મહિલાએ ફડાકા માર્યા હતા અને સોનાની બુંટી
તથા રૂ.પ00ની રોકડ, બે બુટિયા સહિતની મતાની લૂંટ ચલાવી નાસી છુટી હતી. આ અંગે પોલીસે
જાનાબેનની ફરિયાદ પરથી મહિલા સામે ગુનો નોંધ્યો હતો. તેમજ ગત ડિસે. એક વૃદ્ધાને મારકૂટ
કરી દાગીનાની લૂંટ ચલાવ્યાનો ગાંધીગ્રામ પોલીસમાં ગુનો નોંધાયો હતો.
દરમિયાન તાલુકા પોલીસ મથકના સ્ટાફે
સીસીટીવી કેમેરાના ફૂટેજ અને બાતમીના આધારે મહુવામાં ઉંચા કોટડા રોડ પર ઝૂંપડામાં રહેતા
અને હાલમાં મવડીમાં રામધણ આશ્રમ પાસે ઝૂંપડામાં રહેતા એભા કમા વાઘેલા તથા નાથીબેન એભા વાઘેલા નામના દંપતીને ઝડપી લીધા
હતા અને સોનાના દાગીના, મોબાઈલ અને રોકડ કબજે કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા તજવીજ
હાથ ધરી હતી.