• રવિવાર, 28 એપ્રિલ, 2024

ભાષાની મર્યાદા જાળવો

કર્ણાટકના પ્રધાન શિવરાજ તંગદગીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી છે. કૉંગ્રેસના નેતા શિવરાજે કહ્યું છે કે જે યુવાનો કે વિદ્યાર્થીઓ ‘મોદી-મોદીનાં સૂત્રો’ પોકારે છે તેઓને થપ્પડ મારવી જોઈએ. કર્ણાટકના પ્રધાન અને કૉંગ્રેસના નેતા શિવરાજ તંગદગી વિરુદ્ધ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ફરિયાદ કરવામાં આવી છે. એક બીજા કિસ્સામાં કૉંગ્રેસનાં નેતા સુપ્રિયા શ્રીનેતે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં બૉલીવૂડની અભિનેત્રી અને લોકસભાનાં મંડી બેઠકના ઉમેદવાર કંગના રાણાવતની વાંધાજનક તસવીર અને અપમાનજનક ટિપ્પણ પણ કરવામાં આવી છે. વિવાદ અને વિરોધ ભડકયા પછી સુપ્રિયા કહે છે કે તેમના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ હૅક થયાં છે.

દેશમાં ચૂંટણીનો ઉશ્કેરાટ વધી રહ્યો છે. લોકસભાની ચૂંટણી તારીખ નક્કી થયા પછી કેટલાક નેતાઓનાં નિવેદનોમાં કડવાશ આવી ગઈ છે. નેતાઓએ સમજવું જોઈએ કે ઉચિત રીતે બોલવામાં આવેલા શબ્દોમાં લોકોને જોડવાની શક્તિ હોય છે, જ્યારે ખોટો ઉપયોગ વિભાજન પેદા કરે છે. કૉંગ્રેસના નેતાઓ ક્યારે અને શું બોલી દેશે એ કોઈ નથી જાણતું તેથી સમસ્યા ઊભી થાય છે. ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓની ભાષા - ટિપ્પણો ચર્ચાનો વિષય  બની છે.

એક વર્ગને ખુશ કરવાની લાયમાં અને પોતાના ટોચના નેતાની ખુશામતમાં વિના સમજી વિચારી બોલવામાં, કંઈ પણ પોસ્ટ કરવાના ગંભીર પરિણામ આવતાં હોય છે. હકીકત એ છે કે સમગ્ર દેશમાં આ પ્રવૃત્તિ વધી રહી છે. કયો નેતા ક્યારે વાણીનો સંયમ ખોઈ બેસશે કહી ન શકાય. ચૂંટણી પંચની સક્રિયતા પર પણ સવાલ થાય છે. નામમાત્રના કેસ નોંધાય છે, જે ક્યારેય અંજામ સુધી નથી પહોંચતા. આ જ કારણ છે કે નેતાઓને કોઈ પરવા પણ નથી હોતી. હવે પ્રતિસ્પર્ધા એ વાતની છે કે કયો નેતા કેવા સ્તરની ભાષાની સભ્યતાના ચીંથરેહાલ કરે છે.

મર્યાદિત ભાષામાં વિભિન્ન પક્ષો અને નેતાઓની ટિપ્પણો આ દેશની લોકતાંત્રિક વ્યવસ્થાની ખૂબસૂરતી છે. ભાષાની મર્યાદા અને વાણીમાં સંયમ ભારતના લોકતંત્રનો આધાર છે. બેલગામ જુબાનથી ક્ષણિક પ્રચાર અને પ્રસિદ્ધિ મેળવવી સંભવિત છે પરંતુ ભૂતકાળના એવા કેટલાક અનુભવ છે જે દર્શાવે છે કે આવા નેતાઓને જનતા વીસરી જાય છે. નેતાઓએ કોઈપણ સ્થિતિમાં ભાષાની મર્યાદા જાળવી રાખવી જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક