• શનિવાર, 27 એપ્રિલ, 2024

લોકશાહીના જંગ પહેલા ભાજપમાં આંતરિક લડાઈ

એપ્રિલ મહિનાથી વડાપ્રધાન ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરવાના છે , જેની તેમને કે પક્ષને જરૂર નથી.  મજબૂત સ્થિતિ સાથે ભાજપ અત્યારે 2024 ની લોકસભા ચૂંટણી જીતવા તરફ આગળ વધી રહ્યો છે.  ભારતીય જનતા પાર્ટીનું તંત્ર બહુ પહેલેથી ગોઠવાઈ ગયું છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોની ઘટનાએ ભાજપના કાર્યકર્તાઓમાં અને સામાન્ય લોકોમાં પણ અનેક પ્રકારની ચર્ચા શરૂ કરી છે.  કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષના ઉમેદવાર ચૂંટણી લડવાનો ઇનકાર કરે તે હજી સમજી શકાય કારણ કે તેમની સામે મોટા પડકાર છે અને પરિણામ લગભગ નિશ્ચિત છે પરંતુ ભાજપમાં તો આ વખતે ટિકિટ માટે પડા પડી થવી જોઈએ.  ગુજરાત ભાજપ અને સૌરાષ્ટ્રના સંગઠન વિશે ચાલી રહેલી અનેક વાતો વચ્ચે વડોદરા અને સાબરકાંઠા બેઠક પર ઉભી થયેલી સ્થિતિ થોડી વિચિત્ર છે.

 ચૂંટણીમાં ઉમેદવાર જાહેર થાય એટલે કોઈ એક વર્ગ કે નાનું જૂથ તેનો વિરોધ કરે અને પોસ્ટર વોર છેડાય તેવું બનતું આવ્યું છે પરંતુ આવું થયા પછી ખુદ ઉમેદવાર ચૂંટણી લડવાની ના પાડી દે તે નવી વાત છે.  જેમના નામ ચૂંટણી પહેલા ઉમેદવાર તરીકે ચર્ચાતા હોય તેમને પાર્ટી  ટિકિટ આપવામાં આવતી ન હોય તો એવું કહે કે તમે સામેથી ઉમેદવારી માટે અનિચ્છા દર્શાવો.  ગુજરાત ભાજપમાં બે બેઠક પર પક્ષે નક્કી કરેલા બે ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે વડોદરામાં  ગઈ ચૂંટણીમાં 5.89 લાખની સરસાઈથી ચૂંટણી જીતનારા રંજનબેન ભટ્ટ ચૂંટણીના મેદાનમાંથી નીચે હટ કરી ગયા છે.  ભાજપના જ સસ્પેન્ડેડ મહિલા અગ્રણી જ્યોતિબેન પંડયા અને અન્ય કાર્યકરોએ રંજનબેન વિરોધ કરેલા નિવેદોના આક્ષેપો બાદ તેમણે આ નિર્ણય જાહેર કર્યો હતો પાર્ટીએ ટિકિટ આપ્યા પછી પણ વાતાવરણ બગડયું તેનાથી ખીન્ન છું તેવું તેમણે કહ્યું હતું.

 સાબરકાંઠાના લોકસભા ઉમેદવાર ભીખાજી ઠાકોર પર પણ ભાજપના જ કેટલાક લોકોએ તેઓ ઠાકોર ન હોવાનો અને આદિવાસી સમાજમાંથી હોવાનો અપપ્રચાર શરૂ કર્યો હતો જેના પગલે તેમણે પણ ઉમેદવારી પાછી ખેંચી છે.  ચૂંટણી દરમિયાન આક્ષેપો,  ઉમેદવાર નો વિરોધ એ બધું સામાન્ય ગણાય.  પક્ષ ટિકિટ ના આપે તો અપક્ષ કે અન્ય પક્ષમાંથી ચૂંટણી લડવા નો નિર્ણય  પણ ઘણા નેતાઓ કરતા હોય છે અને પછી પસ્તાતા હોય છે.  પરંતુ આ તો  ઘણી વિચિત્ર ઘટના છે ઉમેદવારના નામ જાહેર થયા પછી ઉમેદવારોએ પોતે ચૂંટણી લડવાની ના પાડી છે.  ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ અબકી બાર  400  પારનું સૂત્ર લઈને  દેશભરમાં ઘૂમી રહ્યું છે.  આત્મવિશ્વાસ ટોચ પર છે વિપક્ષ નું ક્યાંય નામ નિશાન નથી તેવી સ્થિતિમાં પણ ઉમેદવારી પાછી ખેંચાતી હોય તો તે ઉમેદવારની હાલત શું હશે તે પણ વિચારવા લાયક છે.

 એકાદ બે બેઠકો પર આવું થાય તો તેની અસર વ્યાપક પ્રમાણમાં રાષ્ટ્રીય ચુંટણી પર ન પડે પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભાજપે આ અંતર  કલહને શરૂઆતથી ડામી દેવો જોઈએ.  ભવિષ્યમાં વિધાનસભા કે સ્થાનિક ચૂંટણીઓ પર તેની અસર પડી શકે જ્યારે ભાજપ 26માંથી 26 બેઠક લોકસભામાં ગુજરાતમાંથી આપવા ઈચ્છે છે ત્યારે આવી બાબતે ગંભીરતા અનિવાર્ય છે.

ઉત્તરદક્ષિણ વિવાદ 

દક્ષિણ ભારતનાં રાજ્યોની ફરિયાદ છે કે કેન્દ્ર પાસેથી એમને એમના હક્કનાં જે નાણાં મળવાં જોઈએ તે પૂરેપૂરાં મળતાં નથી. જે રાજ્યોએ નાણાકીય શિસ્તનું પાલન કર્યું અને વસ્તીનિયંત્રણમાં સારો દેખાવ કર્યો તેમને ભોગે બેફામ વસ્તીવધારો કરનારાં રાજ્યોને વધુ લાભ અપાય છે. દક્ષિણનાં રાજ્યો કેન્દ્રની કરવેરાની આવકમાં જે યોગદાન આપે છે તેમના પ્રમાણમાં એમને ઘણું ઓછું પાછું મળે છે. કર્ણાટક, કેરળ અને તામિલનાડુના મુખ્ય પ્રધાનોએ દિલ્હીમાં આ મામલે દેખાવો પણ યોજ્યા હતા. હવે આ મુદ્દે દક્ષિણનાં રાજ્યોની એક ધરી રચવાનો પ્રસ્તાવ હવામાં ઘૂમરાઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર કહે છે કે 14મા અને 15મા નાણાપંચે જે ભલામણો કરી તેનો અમે અમલ કર્યો છે. તેથી આ બાબતમાં અમારી ટીકા કરશો નહિ.

સત્ય હંમેશની જેમ બંને અંતિમોની વચ્ચે રહેલું છે. આપણા બંધારણમાં ખેતી, શિક્ષણ, આરોગ્ય, પરિવહન જેવી ખર્ચાળ બાબતો રાજ્યોનો  વિષય છે, જયારે આવકવેરો, કોર્પોરેટ ટેક્સ, એકસાઇઝ અને કસ્ટમ ડ્યૂટી જેવા કસદાર કરવેરા કેન્દ્ર સરકાર ઉઘરાવે છે. દા. ત. 2018-19માં દેશમાં કરવેરાની કુલ આવકમાં રાજ્યોનો હિસ્સો 37.3 ટકા હતો, પરંતુ 62.4 ટકા ખર્ચ તેમણે કર્યો હતો. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે આવક અને ખર્ચનું સંતુલન સાધવા માટે કેન્દ્ર સરકારની આવકનો અમુક હિસ્સો રાજ્યોને આપવામાં આવે છે. કેન્દ્ર સરકારની કરવેરાની આવકનો કેટલો હિસ્સો તેણે રાજ્યોને આપવો અને તે હિસ્સો વિવિધ રાજ્યો વચ્ચે કઈ રીતે વહેંચવો તેની ભલામણ નાણાપંચ કરે છે જે દર પાંચ વર્ષે નીમાય છે. 

14મા નાણાપંચે (2015-20) કેન્દ્રની કરવેરાની આવકનો વહેંચણીપાત્ર હિસ્સો 32 ટકાથી વધારીને 42 ટકા કર્યો હતો. આમ છતાં કેન્દ્રની આવકમાં રાજ્યોનો હિસ્સો 2011-12માં 28.2 ટકા હતો તે 2024-25માં સહેજ વધીને 31.8 ટકા થવાનો અંદાજ છે. બીજા શબ્દોમાં કહીએ તો કેન્દ્રની આવક જેટલી વધે છે તેટલો રાજ્યોનો હિસ્સો વધતો નથી. તેથી કેટલાંક રાજ્યોએ કેન્દ્રની આવકના વહેંચણીપાત્ર હિસ્સાની ટકાવારી વધારવાની માગણી કરી છે. એમ કરાય તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ખર્ચ અને આવકના આધારે કરવેરાની વહેંચણી કરવાનો સિદ્ધાંત જળવાતો નથી. બીજાં કેટલાંકે પોતે કેન્દ્રની આવકમાં જે યોગદાન આપે છે તેના પ્રમાણમાં વધુ રકમ ફાળવવાની માગણી કરી છે. પરંતુ આને રાજકીય મુદ્દો બનાવવો તે રાષ્ટ્રીય એકતાની વિરુદ્ધ છે એવી દલીલમાં વજૂદ છે.

મૂળ સમસ્યા અલગ છે. કેન્દ્રનું વર્તન સમવાયતંત્રની ભાવનાથી વિરુદ્ધ છે. કેન્દ્ર સરકારે રાજ્યો સાથે જે આવક વહેંચવાની હોય છે તેમાં સેસ, સરચાર્જ, કરવસૂલાતનો ખર્ચ અને કેન્દ્રશાસિત પ્રદેશોની આવકનો સમાવેશ થતો નથી.સેસ ચોક્કસ હેતુ માટે ઉઘરાવાય છે અને તેની આવક અલગ તારવવામાં આવે છે. સરચાર્જ એ ટેક્સ પરનો ટેક્સ છે અને તેનો કોઈ વિશિષ્ટ હેતુ હોતો નથી. છેલ્લા એકાદ દાયકામાં કેન્દ્ર સરકાર કરવેરાના સામાન્ય દર વધારવાને બદલે સેસ અને સરચાર્જ પર વધુને વધુ આધાર રાખતી થઇ છે. 2011-12થી 2024-25 દરમિયાન કેન્દ્રની સેસ અને સરચાર્જની આવક 16.7 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી છે. પરંતુ કેન્દ્રની આવકનો વહેંચણીપાત્ર હિસ્સો 88 ટકાથી ઘટીને 77 ટકા થઇ ગયો છે. પરિણામે કેન્દ્રની આવક વધે છે પણ રાજ્યોને તેનો લાભ મળતો નથી.

કેન્દ્રને સેસ અને સરચાર્જ નાખવાની બંધારણીય સત્તા છે. પરંતુ તેનો વ્યાપક ઉપયોગ થવાથી રાજ્યોને 14મા નાણાપંચની ભલામણોનો લાભ મળવામાં અંતરાય આવે છે. રાજ્યોએ આ મુદ્દો ઉપાડી લેવો જોઈએ. તેમણે સેસ અને સરચાર્જને પણ વહેંચણીપાત્ર આવકમાં સામેલ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. સેસ અને સરચાર્જની ભરમાર સામાવાયતંત્રની ભાવનાનો ભંગ કરનારી છે એમ કહીને તેઓ તેની બંધારણીય યોગ્યતાને અદાલતમાં પડકારી શકે.

ઇ-પેપરના નવા શુલ્ક