• શનિવાર, 27 એપ્રિલ, 2024

ગુનેગારો બેખોફ શાને?

ઉત્તર પ્રદેશના બદાયુમાં બે નિર્દોષ બાળકોની બે વાળંદ દ્વારા ગળું કાપી, શરીર પર ઘા મારી હત્યા કરવાના બનાવે ભારે ખળભળાટ મચાવી દીધો છે. હત્યામાં સંડોવાયેલો એક આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયો છે જ્યારે બીજો ફરાર છે. આ ઘટનાને લઈ સમાજમાં ચોમેર રોષનું વાતાવરણ છે, પોલીસ ફરાર હત્યારાને તથા હત્યાનું કારણ શોધી રહી છે. કારણ ગમે તે હોય પણ માસૂમ બાળકોનાં ગળાં કાપીને હત્યા થઈ - આ કામ રાક્ષસી છે. આ પહેલાં રાજસ્થાનમાં નિર્દોષ દરજીની હત્યા થઈ તે ભુલાઈ નથી.

પોલીસ પોતાનું કામ કરશે પણ રાજકીય આક્ષેપબાજી અને ભડકામણ કોમવાદી ભાષણો કરનારા નેતાઓની આંખો ખૂલશે? આવી હત્યા, હિંસાના માર્ગેથી પાછા વાળવા માટે પ્રયાસ કરશે?

બદાયુની ઘટનાને સામાન્ય ગુનાહિત ઘટનાની જેમ જોવામાં આવશે અને હવે એક ઔપચારિક્તાના અંતર્ગત કાયદો પોતાનું કામ કરશે. સંભવ છે કે બીજો આરોપી પકડાઈ જાય અથવા તો તેનું પણ એન્કાઉન્ટર થઈ જાય, એટલે કે ન્યાય આપવાની પ્રક્રિયાનો શોર્ટ કટ પૂર્ણ થઈ જશે પણ આવા ગુનેગારોને તેઓ દ્વારા કરાયેલી હત્યા દરમિયાન બાળકોએ અનુભવેલી અસહ્ય વેદનાની અનુભૂતિ નહીં થાય. કોર્ટમાં કેસ લાંબો સમય ચાલશે તો ન્યાયનો હેતુ જ માર્યો જશે. એટલે આવા કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીને સબકરૂપ સજા થવી આવશ્યક છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો એટલે એનસીઆરબીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે હત્યા, બળાત્કાર, અપહરણ જેવા જઘન્ય ગુનાઓનાં પ્રકરણમાં ઉત્તર પ્રદેશની છાપ બેહદ ચિંતાજનક છે. ખાસ કરીને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં રાજ્યની સ્થિતિ બેહદ અફસોસજનક છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક