• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

કૃત્રિમ નહીં, મૌલિક બુદ્ધિ ઉપર રાખજો આધાર

એ.આઈ.ની સર્વત્ર ચાલી રહેલી ચર્ચા, એ.આઈ.એ કેટલીક જગ્યાએ કરેલી ઘૂસણખોરી સહિતના બનાવોની વચ્ચે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશે વિદ્યાર્થીઓને ‘આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ’ના વિવેકપૂર્ણ, સંયમિત ઉપયોગની સોનેરી સલાહ આપી છે. મૌલિક બુદ્ધિનો કોઈ વિકલ્પ નથી  તેવો તેમનો સૂર છે. વર્તમાન સમયમાં આ અત્યંત જરૂરી છે કારણ કે આ આવિષ્કાર માનવજાતને જેટલો ઉપયોગી છે તેટલો જ તે માનવીય બુદ્ધિ, મૌલિકતા, વિચારશીલતાની સામે ઊભો થયેલો મોટો પડકાર છે. વિદ્યાપ્રસારક મંડળની થાણે નગરપાલિકા લો કોલેજમાં એલએલબીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના સ્વાગત માટે યોજાયેલા કાર્યક્રમમાં નિવૃત્ત જજ અભય ઓકે આ અગત્યની વાત કરી હતી.

કાયદાના શિક્ષણ વિશે તો તેમણે સ્વાભાવિક રીતે વાત કરી. અભય ઓકે કહ્યું કે ‘કાયદા ક્ષેત્રનું મોટું વિસ્તરણ થયું છે. આ વિદ્યાશાખાના સ્નાતકો માટે વિવિધ ક્ષેત્રમાં અનેક તક ઉભી થઈ છે.જેનું વિશ્લેષણ કરીને વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી ઘડવી જોઈએ.’ અભય ઓકે સૌથી અગત્યની વાત વિશ્વમાં ગતિથી વ્યાપી રહેલા ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ માટે કરી. તેમણે કહ્યું કે કોઈ સંશોધન માટે સંદર્ભ મેળવવા, વિગતો મેળવવા માટે ‘એઆઈ’ના ‘ટૂલ’નો ઉપયોગ ચોક્કસ કરો પરંતુ પોતાની બુદ્ધિમતા અને વિચારશકિતને ક્યારેય ‘એઆઈ’ના હવાલે ન કરો એટલે કે ‘એઆઈ’ને તમે તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

અભય ઓકના વક્તવ્યમાં યુવાનો માટેની નિસબત ઝળકતી હતી તેમણે કહ્યું કે ‘એઆઈ’ ઉપર  અતિશય નિર્ભર રહેવાને બદલે પોતાના જ્ઞાન, અભ્યાસ અને મૌલિક વિચારક્ષમતાને પ્રાથમિકતા આપવી જોઈએ. નિવૃત્ત જજની આ ચિંતા યથાર્થ છે. વાસ્તવમાં કમ્પ્યુટર કે ઈન્ફર્મેશન ટેક્નોલોજીની અન્ય શોધોનો ઉપયોગ આખરે તો માનવીય પ્રયાસોને વધારે નિખારવા માટે થતો આવ્યો છે. શ્રમ ઘટે અને ગુણવત્તા સુધરે તે તેનો ઉદ્દેશ્ય હતો. મૌલિકતા ક્યાંય હણાતી નહોતી. એ.આઈ. ઘડીના છઠ્ઠા ભાગમાં આખાં બ્રહ્માંડની વિગતો આપણને આપે છે પરંતુ તેનો ઉપયોગ તે વિગત- માહિતી મેળવવા માટે કરવાનો છે. તે સહાયક છે આપણા વિચાર, અપેક્ષા અને ઈચ્છા મુજબ તેની પાસેથી કામ લેવાનું છે. આપણું કામ તે કરી દેશે પરંતુ આપણને વિચારતાં બંધ કરી દેશે. ‘એ.આઈ.’ માનવીય બુદ્ધિ અને સંવેદનાનો વિકલ્પ નહીં બની શકે તેવું વારંવાર કહેવાય છે પરંતુ ‘એ.આઈ.’ને તે વિકલ્પ બનવું પણ નથી. માનવીય બુદ્ધિ વડે આ કૃત્રિમ બુદ્ધિને ચલાવવાની જ આ કસોટી છે.

ઇ-પેપરના નવા શુલ્ક