• શનિવાર, 07 માર્ચ, 2026

નીતિશકુમાર રાજ્યસભામાં... પરિવર્તનમાં ભાજપનો વ્યૂહ

બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારે આખરે રાજ્યસભાની ચૂંટણી માટે ફૉર્મ ઉપર સહી કરતાં રાજકીય વર્તુળોમાં થતી અટકળો અને અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. અલબત્ત, નીતિશકુમાર રાજ્યસભાની બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર થાય તે પછી મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપશે.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને જનતા દળના મોરચાને અભૂતપૂર્વ - 80 ટકા બેઠકો મળ્યા પછી નીતિશકુમારની ઈચ્છા અને આગ્રહ મુજબ - ભાજપે એમને મુખ્ય પ્રધાન પદ આપ્યું હતું. રાજકીય ઇતિહાસમાં દસમી વખત મુખ્ય પ્રધાન પદ મેળવનારા એકમાત્ર નીતિશકુમાર છે. વિધાનસભાની 243માંથી 202 બેઠકો  મેળવી તેમાં જનતાદળ (યુ)ની 85 અને ભાજપને 89 બેઠકો મળી છે. આમ છતાં સિનિયર નેતાના હિસાબે અને વિજયમાં એમના યોગદાનની કદરરૂપે ભાજપે મુખ્ય પ્રધાન પદનો આગ્રહ રાખ્યો નહોતો - પણ હવે બિહારનું મુખ્ય પ્રધાન પદ પ્રથમ વખત ભાજપને મળશે.

મુખ્ય પ્રધાન પદે માત્ર ચાર મહિના થયા છે ત્યારે આ પરિવર્તન એમની કામગીરીના આધારે નહીં પણ કથળી રહેલા સ્વાસ્થ્યના કારણે છે. આવનારા સમયમાં મુખ્ય પ્રધાનનું સ્વાસ્થ્ય વિપક્ષોનું શસ્ર બને નહીં તેની સાવધાની પરિવર્તન માટે મુખ્ય કારણ હોવાનું જણાય છે. બિહાર વિધાનસભાની ચૂંટણી પાંચ વર્ષ પછી આવશે પણ લોકસભાની ચૂંટણી ત્રણ વર્ષમાં આવે ત્યારે બિહારમાં ભાજપની લોકપ્રિયતા અને કામગીરી બતાવી શકાય અને લોકસભાના સંખ્યાબળમાં પૂરો હિસ્સો મળે તેવી ગણતરીથી ભાજપની નેતાગીરીએ આ નિર્ણય લીધો છે. નેતા બદલવાની પ્રક્રિયા પણ નીતિશકુમારની મંજૂરીથી થઈ રહી છે. તેથી કોઈ વિવાદ થવાને અવકાશ નથી.

નીતિશકુમારના પુત્ર નિશાંત રાજકીય વારસો સંભાળવા તત્પર છે અને એમનું નામ રાજ્યસભાની બેઠક માટે બોલાતું હતું પણ આખરે પિતાની સલાહ મુજબ નિશાંત રાજ્યમાં જ રાજકારણના પાઠ શીખવા તૈયાર થયા છે. ભાજપની વ્યવસ્થા-વ્યૂહ મુજબ નીતિશકુમારની નિવૃત્તિને બદલે વડીલોના ગૃહ ગણાતા રાજ્યસભાના ગૃહમાં સ્થાન મળે તો પરિવર્તન પછી નવા મુખ્ય પ્રધાનનો પ્રશ્ન કે વિવાદ રહે નહીં.

આરજેડી તથા કૉંગ્રેસ આ પરિવર્તનની ટીકા કરે તે સ્વાભાવિક છે કારણ કે એમના માટે હવે વિપક્ષની બેઠકો અનામત છે! વિપક્ષી નેતાએ નીતિશકુમારના ભાવિ સ્થળાંતરને વેનેઝુએલાના વડા પ્રધાનના અપહરણ સાથે સરખાવીને સંતોષ લીધો છે!

 

ઇ-પેપરના નવા શુલ્ક