• સોમવાર, 23 નવેમ્બર, 2026

ભાજપ એવો પક્ષ, જ્યાં પદ કરતા પરિશ્રમનું વધુ મહત્વ : વડાપ્રધાન મોદી

ગુજરાતની 182 બેઠકો પર ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું, વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત નેતાઓ અને હોદ્દેદારો પોતાના મતવિસ્તારમાંથી જોડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.22:  ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીના પડઘમ પૂર્વે તમામ 182 વિધાનસભા બેઠકો પર રવિવારે ભાજપના કાર્યકરોનો નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. ઓગણજમાં ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી જોડાયા હતા અને ભાજપના હોદ્દેદારો તથા કાર્યકરોને સંબોધન કર્યું હતું. પીએમએ સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના તમામ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. કાર્યકરોની અથાક સેવાને યાદ કરીને વડાપ્રધાને જણાવ્યું કે, હાલમાં જ જાહેર સેવામાં મારા 25 વર્ષ પૂરા થયા છે. હું કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરુ છું. કાર્યકરોના જોમ, જુસ્સા અને સમર્પણથી આટલી સેવા કરવી શક્ય થઈ શકી છે. કાર્યકરો ઘરે ઘરે જઈને જે શ્રમ કર્યો છે તે ખરેખર કાબિલેદાદ રહ્યો છે. ભાજપમાં પદ કરતા પરિશ્રમનું સૌથી વધુ મહત્વ છે તેમ પીએમએ ઉમેર્યું હતું.

ગુજરાતના 2001ના ભયાવહ ભૂકંપની ઘટનાને યાદ કરીને વડાપ્રધાને જણાવ્યું કે, ગુજરાતના વિકાસમાં ભાજપના કાર્યકરનો પણ મોટો સિંહફાળો છે. ભાજપના કાર્યકર્તાઓના સંસ્કારમાં હંમેશા સેવાની વાત સર્વોપરી રહી છે. કાર્યકરોની પેઢી બદલાઈ ગઈ પણ એમને જે સંસ્કાર આપ્યા, દિશા આપી તે પેઢી દર પેઢી આગળ વધી રહી છે.  આપણી પાસે કંઈ ન હતું ત્યારે પણ સેવાનો માર્ગ છોડ્યો નહતો. ભાજપ એવો પક્ષ છે જેમાં પદ કરતા પરિશ્રમનું મહત્વ છે. પોતાનું ઉદાહરણ ટાંકીને વડાપ્રધાને જણાવ્યું કે, મારા જેવા સાધારણ કાર્યકર્તાને પણ પાર્ટીએ કેટલો મોટો બનાવી દીધો છે. આ બધું ભાજપમાં સંભવ છે. ભાજપના કાર્યકર્તા હોવું તે સૌથી મોટું સૌભાગ્ય છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પણ આ સંબોધનમાં યાદ કરતા પીએમએ ઉમેર્યું કે, ગરીમામય પદ પર હોવા છતાં તેઓ સમાજના દરેક વર્ગ સાથે ભળી ગયા છે, રાષ્ટ્ર સેવાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ભાજપના તમામ વિધાનસભામાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ઘાટલોડિયા વિધાનસભાના કાર્યક્રમમાં જ્યારે નાયબ મુખ્યમંત્રી સરુતમાં મજુરા વિધાનસભા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નિકોલ વિધાનસભા બેઠક ખાતે હાજર રહ્યા હતા. સીએમએ ભાજપના કાર્યકરો અને આગેવાનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

 તેમણે કાર્યકરોને જણાવ્યું કે, રાષ્ટ્ર સેવા એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. ગુજરાતને વડાપ્રધાનના દિર્ઘદ્રષ્ટિ સાથેના નેતૃત્વમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. રાજ્યના વિકાસ અને ઔદ્યોગિક ક્ષમતાને ટાંકીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં આજે સેમિકન્ડક્ટર ચિપથી લઈને શિપ બધું બની રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક