• સોમવાર, 23 નવેમ્બર, 2026

પાળીયાદની વચ્છરાજ હોટેલમાં નશામાં ધૂત શખસે મચાવ્યો આતંક

હોટેલ માલિકને લાફો મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી

બોટાદ,તા.22 : પાળીયાદના રાજકોટ રોડ પર આવેલી વચ્છરાજ હોટેલમાં દારૂના નશામાં આવેલા શખસે જમવા દરમિયાન હોબાળો મચાવી હોટેલ માલિક સાથે મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં હોટેલ માલિકને લાફો મારી ગાળો આપવા ઉપરાંત હોટેલ બંધ કરાવી દેવાની અને

જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, કુંભારા ગામના આવડાભાઈ અરશીભાઈ કેસવાલા (ઉં.વ. 52) વચ્છરાજ હોટેલ ચલાવે છે. તા.21ની રાત્રે આશરે 11:30 વાગ્યે છૈડા ગામના કુલદીપભાઈ ભાભલુભાઈ ખાચર હોટેલમાં જમવા આવ્યા હતા.

આ દરમિયાન તેઓ દારૂના નશામાં ગાળો બોલતા હોવાથી હોટેલ માલિકે શાંતિ જાળવવા અને ગાળો નહીં બોલવા સમજાવ્યા હતા. આથી ઉશ્કેરાયેલા શખસે માલિકને ગાલ પર લાફો મારી અપશબ્દો બોલ્યા હતા. કર્મચારીઓ એકત્ર થતાં તે સ્થળ પરથી ભાગી ગયો હતો. આ અંગે પાળીયાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક