વતનમાં
મકાન બનાવવામાં દેણું થઈ જતા ચોરી કર્યાની કબૂલાત : 6.22 કિલો ચાંદી કબજે કરાઈ
અમદાવાદ,
તા. 22 : અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા મહાસુખનગર જૈન દેરાસરમાં ભગવાન વાસુપૂજ્ય
સ્વામીની મૂર્તિ માટે બનાવવામાં આવેલા આશરે 9 કિલો ચાંદીના વસ્ત્રોની ચોરીનો ભેદ પોલીસે
ઉકેલી લીધો છે. દેરાસરમાં આઠ વર્ષથી પૂજારી તરીકે સેવા આપનાર અને ચાવીની જવાબદારી સંભાળનાર
પૂર્વ પૂજારીએ જ ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે
આરોપી અશ્વિન સોલંકીની ધરપકડ કરી તેની પાસેથી 6.22 કિલો ચાંદીનો મુદ્દામાલ રિકવર કર્યો
છે.
જાણવા
મળતી વિગત મુજબ, કૃષ્ણનગરમાં રહેતા કનુભાઈ રતિલાલ શાહ સેજપુર બોઘા વિસ્તારમાં આભૂષણ
જ્વેલર્સ નામે દુકાન ધરાવે છે. તેઓ છેલ્લા નવ વર્ષથી મહાસુખનગર જૈન દેરાસરમાં પ્રમુખ
તરીકે વહીવટી જવાબદારી સંભાળે છે. દેરાસરમાં પૂજા-પાઠ, ભગવાનને આભૂષણ અને વસ્ત્રો પહેરાવવા
તેમજ સાફસફાઈની કામગીરી માટે આશરે આઠ વર્ષ અગાઉ સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ડગલા
ગામના અશ્વિન સોલંકીને પૂજારી તરીકે નોકરીએ રાખવામાં આવ્યો
હતો.
તાજેતરમાં
પર્યુષણ પર્વ દરમિયાન ટ્રસ્ટ દ્વારા ભગવાન વાસુપૂજ્ય સ્વામીની મૂર્તિ માટે રૂ.4 લાખના
ખર્ચે 9 કિલો ચાંદીના વસ્ત્રો બનાવડાવવામાં આવ્યા હતા. જોકે, 17 નવેમ્બરે કનુભાઈ શાહ
દેરાસરમાં દર્શન કરવા પહોંચ્યા ત્યારે મૂર્તિ પર ચાંદીના વસ્ત્રો જોવા મળ્યા નહોતા.
અન્ય સભ્યોની પૂછપરછમાં પણ લાંબા સમયથી વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં ન હોવાનું જાણવા
મળ્યું હતું.
પૂજારી
અશ્વિન સોલંકી 2 નવેમ્બરે નોકરી છોડીને ચાલ્યો ગયો હોવાથી તેના પર શંકા ગઈ હતી. આથી
કૃષ્ણનગર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ
કરી હતી. પૂછપરછમાં વતનમાં મકાન બનાવવા માટે લીધેલું દેવું વધી જતાં તેણે ચોરી કરી
હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. પોલીસે બાકીના મુદ્દામાલની રિકવરી માટે વધુ
તપાસ હાથ ધરી છે.