માસિક
10 ટકા વ્યાજ અને દૈનિક પેનલ્ટી વસૂલવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી
ઉપલેટા,
તા.22:ઉપલેટામાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માત્ર રૂ.70 હજાર ઉછીના
આપીને માસિક 10 ટકા વ્યાજ વસૂલતા શખ્સે આઠ વર્ષમાં રૂ.6થી 7 લાખ વસૂલી લીધા હોવા છતાં
ઉઘરાણી બંધ ન કરી હોવાનો આક્ષેપ થયો છે. વ્યાજની રકમ ચૂકવવામાં મોડું થાય તો દૈનિક
પેનલ્ટી વસૂલવાની સાથે ગેરેજ પર આવી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી
હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. સતત માનસિક ત્રાસ અને પઠાણી ઉઘરાણીથી કંટાળેલા ગેરેજ
સંચાલકે આખરે પોલીસનું શરણું લેતાં વ્યાજખોર સામે ગુનો નોંધાયો છે.
ઉપલેટાના
પોરબંદર રોડ પર આમ્રપાલી સોસાયટીમાં રહેતા અને બાપુના બાવલા ચોક પાસે ગેરેજ ચલાવતા
યોગેશભાઈ દિનેશભાઈ વ્યાસ (ઉ.વ.40)એ રાજકોટના આનંદનગરમાં રહેતા હરપાલાસિંહ ભરતાસિંહ
પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, વર્ષ 2018-19માં આર્થિક મુશ્કેલીના કારણે
હરપાલાસિંહ પાસેથી પ્રથમ રૂ.40 હજાર અને ત્યારબાદ વધુ રૂ.30 હજાર માસિક 10 ટકા વ્યાજે
લીધા હતા. દર મહિને રૂ.7 હજાર વ્યાજ ચૂકવવા છતાં ઉઘરાણી અને ધમકીઓ ચાલુ રહેતાં કોરોના
કાળ
દરમિયાન
પરિવાર સાથે ઉપલેટા આવી ગયા હતા. તેમ છતાં આરોપી ઉપલેટા આવી ઉઘરાણી કરતો હોવાનો આક્ષેપ
છે. આઠ વર્ષમાં લાખો રૂપિયા ચૂકવ્યા છતાં ત્રાસ યથાવત્ રહેતાં મિત્રની હિંમતથી ફરિયાદ
નોંધાવી હતી. ઉપલેટા પોલીસે ગુનો નોંધી પીઆઈ એચ.એમ. ધાધલે વધુ તપાસ હાથ ધરી છે.