• સોમવાર, 23 નવેમ્બર, 2026

ઉપલેટામાં 6.50 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને 3 માસની કેદ

ઉપલેટા, તા.22 : ઉપલેટાની પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે રૂ.6.50 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને ત્રણ માસની સાદી કેદની સજા ફટકારી ફરિયાદીને રૂ.13 લાખનું વળતર ચૂકવવાનો મહત્ત્વપૂર્ણ હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ, ઉપલેટાની સરદાર સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ગણપતિ સાળુંખેએ ધંધાકીય જરૂરિયાત માટે મિત્રતાના નાતે સમીર વલ્લભભાઈ લાઠીગરાને 1 ઓગસ્ટ, 2023ના રોજ રૂ.6.50 લાખ હાથ ઉછીના આપ્યા હતા. નાણાં પરત આપવા માટે સમીરે 11 સપ્ટેમ્બર, 2023ના રોજ આઇસીઆઇસીઆઇ બેન્કનો ચેક આપ્યો હતો પરંતુ ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી ચેક પરત ફર્યો હતો. આ અંગે એડવોકેટ જે. ડી. ચંદ્રવાડિયા મારફતે કાયદેસરની નોટિસ પાઠવવા છતાં નાણાં પરત નહીં મળતા ઉપલેટા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટની સુનાવણી દરમિયાન આરોપીએ જુગારની રકમ પેટે સિક્યોરિટી તરીકે ચેક આપ્યો હોવાનો બચાવ કર્યો હતો પરંતુ તેના સમર્થનમાં કોઈ નક્કર પુરાવો રજૂ કરી શક્યો નહોતો. ફરિયાદી તરફે રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવા અને દલીલોને ધ્યાને લઈ જજ પી.પી. કાલાએ 19 નવેમ્બર 2026ના રોજ આરોપીને દોષિત ઠેરવી ત્રણ માસની સાદી કેદની સજા ફટકારી હતી. ઉપરાંત ચેકની બમણી રકમ રૂ.13 લાખ બે માસમાં ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો હતો. જો વળતરની રકમ નહીં ચૂકવે તો વધુ એક માસની સાદી કેદ ભોગવવાનો આદેશ પણ કર્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક