450 એસ.ટી. બસ, 11 દવાખાના,
2,500થી વધુ શૌચાલય, અવિરત પાણી-વીજળી અને 2,200થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત ઃ જિલ્લા કલેકટર ઃ આજથી જ ભાવિકોનો પ્રવાહ જૂનાગઢ ભણી, તળેટીમાં ભીડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.18 ઃ પવિત્ર ‘લીલી પરિક્રમા-2026’નો આગામી 20મીથી 24મી નવેમ્બર દરમિયાન જૂનાગઢના ગિરનાર ખાતે ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વર્ષે લાખોની સંખ્યામાં આવનાર ભાવિકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. હવે પરિક્રમાને આડે ગણતરીના કલાકો છે ત્યારે ધીરેધીરે ભાવિકોના પ્રવાહ આવતીકાલથી શરૂ થઈ જશે.
આ વર્ષે માર્ગ-મકાન વિભાગ અને વન વિભાગના સંકલનથી જંગલ રૂટ પર 20 સ્થળોએ ડી.જી. સેટ સાથે હંગામી સિક્યુરિટી લાઈટિંગ અને હિંસક પ્રાણીઓની અવરજવરવાળા વિસ્તારોમાં વિશેષ પ્રકાશની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ વખત માળવેલા ઘોડીની ટોચ પર ડી.જી. સેટ મુકાશે. જાંબુડી નાકા ફોરેસ્ટ ઓફિસ સામે ઈમરજન્સી ટ્રબલશાટિંગ કેમ્પ કાર્યરત રહેશે. યાત્રિકોની ભોજન વ્યવસ્થા માટે વન વિભાગ દ્વારા 70 જેટલી નાની-મોટી સંસ્થાઓને પ્રસાદ, અન્નક્ષેત્ર અને સદાવ્રત ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. દરમિયાનમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ શ્રદ્ધાળુઓને ગિરનાર લીલી પરિક્રમાની શુભકામનાઓ પાઠવતા પ્રકૃતિનું જતન કરવા અને સુરક્ષાના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.
અગાઉના વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2022માં
12.19 લાખ, વર્ષ 2023માં
16.25 લાખ અને વર્ષ 2024માં
7.84 લાખ અંદાજિત યાત્રિકોએ પરિક્રમાનો લાભ લીધો હતો. જ્યારે વર્ષ 2025માં પરિક્રમાના સમય દરમિયાન વરસાદ પડવાને કારણે તેનું આયોજન થઈ શક્યું ન હતું. પરિક્રમા દરમિયાન યાત્રિકો કોઈપણ અગવડતા વિના નિર્વિઘ્ને અને સુરક્ષિત રીતે આ પવિત્ર યાત્રા પૂર્ણ કરી શકે તે હેતુથી જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને વહીવટી તંત્રની એક મહત્ત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જેમાં નક્કી થયા મુજબ, શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા, પીવાના પાણી, વીજળી, આરોગ્ય, સ્વચ્છતા અને પરિવહન સહિતની તમામ પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે તંત્રને સંપૂર્ણપણે સજ્જ કરવામાં આવ્યું છે. 20મી નવેમ્બરની મધ્યરાત્રીએ પરિક્રમાનો વિધિવત પ્રારંભ થશે. આ વર્ષે પરિક્રમા રૂટના સૌથી ઊંચા અને કઠિન ગણાતા નળ પાણીની ઘોડી વિસ્તાર સહિત સમગ્ર માર્ગ પર પીવાના પાણીની કોઈ અછત ન રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા રૂટની મરામત, વિવિધ સ્થળોએ રાવટીઓ અને 425થી વધુ વનકર્મીઓને ફરજ સોંપવામાં આવી છે.