• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

દેશના યુવાનોને નશાના સકંજામાંથી બચાવવા પડશે ઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, તા. 18 ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠકમાં દેશમાં વધતી નશાની સમસ્યા ઉપર ઉંડી ચિંતા વ્યક્ત કરી હતી. યુવાનોમાં નશાની લતનો ઉલ્લેખ કરતા પીએમ મોદી ભાવુક થયા હતા. તેમણે કહ્યું હતું કે દેશના યુવાનોને કોઈપણ ભોગે નશાની લતથી બચાવવા પડશે. પીએમ મોદીએ નક્સલવાદ સામે મળેલી સફળતાનું ઉદાહરણ આપતા નશાની સમસ્યાને પણ મુળમાંથી ખતમ કરવાનું આહ્વાન કર્યું હતું.

નવી દિલ્હીના ભારત મંડપમમાં બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પરિષદની મહત્વની બેઠક થઈ હતી. આસિયાન શિખર સંમેલનમાં ભાગ લીધા બાદ મનીલાથી મોડી રાત્રે દિલ્હી પરત ફરેલા પીએમ મોદીએ સવારે 10-30 વાગ્યે બેઠકની અધ્યક્ષતા કરી હતી. અંદાજીત સાડા ત્રણ કલાક ચાલેલી બેઠકમાં નશાની વધતી સમસ્યા, ગરીબી હટાવવા, નક્સલવાદ, આર્થિક સશક્તિકરણ અને પ્રશાસનિક સુધારા સહિતના મહત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

સુત્રો અનુસાર મંત્રીપરિષદની બેઠકમાં દેશના યુવાનો ઉપર નશાના વધતા પ્રભાવની ચર્ચા કરતા પીએમ મોદી ભાવુક થયા હતા અને કહ્યું હતું કે યુવા પેઢીને નશાના સકંજામાંથી કોઈપણ ભોગે છોડાવવા પડશે. આ સાથે પીએમ મોદીએ મંત્રીઓ અને અધિકારીઓને ચેતવ્યા હતા કે નક્સલવાદ સામે મળેલી સફળતાને જાળવી રાખવી જરૂરી છે. નક્સલવાદ ફરી શરૂ ન થાય તેના ઉપર નજર રાખવી પડશે.

મોદીએ બેઠકમાં ગરીબી દૂર કરવા મુદ્દે વિસ્તારથી ચર્ચા કરી હતી અને 2014ના પોતાના ભાષણને યાદ કરતા પોતાની સરકારને ગરીબોને સમર્પિત ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, 50 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે અને આ લોકો ફરીથી ગરીબીમાં ન આવે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.

બેઠકમાં યોજનાઓ, ઉપલબ્ધિઓ અને ભવિષ્યની રણનીતિ અંગે ત્રણ વિસ્તૃત પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા હતા. ગરીબી મુદ્દેનું પ્રેઝન્ટેશન આર્થિક મામલા, ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ અને મત્સ્ય પાલન સહિત 11 મંત્રાલયના વિભાગો અને સચિવોએ આપ્યું હતું. બાદમાં જનધન યોજના અને આર્થિક સશક્તિકરણ ઉપર એક પ્રેઝન્ટેશનમાં નાગરીકોને બેંકિંગ વ્યવસ્થા સાથે જોડવા અને આર્થિક સશક્તિકરણ અંગે લેવાયેલા પગલાની સમીક્ષા થઈ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક