• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

જમીનના દસ્તાવેજ મામલે મામાની ધમકીઓથી કંટાળી ખેડૂતે ઝેર પીધું

ખાંડાધારમાં 10 વીઘા જમીનના વિવાદમાં 47 વર્ષીય ખેડૂતનો આપઘાતનો પ્રયાસ; સુસાઇડ નોટને આધારે મામા સામે પોલીસ ફરિયાદ

ગોંડલ, તા.18 : ગોંડલ તાલુકાનાં ખાંડાધાર ગામે જમીનના દસ્તાવેજ પરત મેળવવા મુદ્દે ચાલી રહેલા વિવાદમાં કૌટુંબિક મામાની ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળેલા 47 વર્ષીય ખેડૂતે પોતાની વાડીએ જંતુનાશક દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. ખેડૂતને તાત્કાલિક સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી મળેલી સુસાઇડ નોટમાં જમીન વિવાદ અને ધમકીઓનો ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ખાંડાધારના અરુણભાઈ ગોપાલભાઈ ધડુકની ગામની સીમમાં આશરે 25 વીઘા ખેતીની જમીન આવેલી છે. તેમાંથી 10 વીઘા જમીન અંગે કોર્ટમાં દાવો ચાલુ હોવાથી તેમણે અગાઉ પોતાના કૌટુંબિક મામા અને કોટડા સાંગાણીના અશોકભાઈ ગોરધનભાઈ ઠુંમરનાં નામે દસ્તાવેજ કરી આપ્યો હતો. આ જમીનનો દસ્તાવેજ બાદમાં પરત આપવાની બન્ને વચ્ચે સમજૂતી થઈ હતી. જોકે, અરુણભાઈએ દસ્તાવેજ પરત માગતાં અશોકભાઈએ ઇનકાર કર્યો હતો. સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતાં આરોપીએ ગાળો આપી જમીન નહીં મળે અને આ મુદ્દે ફરી વાત કરશે તો સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.

આ ધમકીઓથી માનસિક તણાવમાં આવેલા અરુણભાઈએ તા.17ના સવારે પોતાની વાડીએ કપાસમાં છાંટવાની જંતુનાશક દવા પી લીધી હતી. જાણ થતાં પરિવારજનોએ 108 મારફતે હોસ્પિટલ પહોંચાડયા હતા. ગોંડલ તાલુકા પોલીસે અરુણભાઈનું નિવેદન નોંધી અશોકભાઈ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક