ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન રાહુલે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજનાઓને નિષ્ફળ ગણાવી
નવી દિલ્હી, તા. 18 ઃ કોંગ્રેસ નેતા અને લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી વર્તમાન સમયે અમેરિકાના પ્રવાસે છે. જ્યાં કોલંબિયા યુનિવર્સિટીમાં એક સંવાદ દરમિયાન રાહુલ ગાંધી તરફથી ભારતીય અર્થતંત્ર અને અન્ય મુદ્દે વાતચીત કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે ભારત એક મોટા આર્થિક સંકટ તરફ આગળ વધી રહ્યું છે. દેશમાં મોટાપાયે બેરોજગારી છે, મેન્યુફેક્ચરિંગ સેક્ટર કમજોર છે અને શિક્ષા વ્યવસ્થામાં મોટી ખામીઓ છે. આ નિવેદનોએ વિવાદ પણ શરૂ કર્યો છે.
ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં છાત્રો અને શિક્ષકો સાથે વાતચીત દરમિયાન રાહુલે કહ્યું કહ્યું હતું કે, ભારતનું વર્તમાન આર્થિક મોડેલ એક દશક પહેલાંથી જ પરિણામ આપવાનું બંધ કરી ચૂક્યું છે. જો દેશ આ જ રસ્તે આગળ વધતો રહેશે તો મોટી મુશ્કેલી આવશે. ભારત એક આર્થિક તબાહીની કગારે છે. રાહુલે કેન્દ્રની એનડીએ સરકાર ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજનાઓ દેશની કમજોર બનેલી અર્થવ્યવસ્થાને ફરીથી મજબૂત કરવામાં સફળ રહી નથી. દેશનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર ફરીથી મજબૂત કરવાની જરૂરિયાત છે. એમએસએમઇ અને કૃષિ ક્ષેત્ર ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. આ ક્ષેત્ર જ મોટાપાયે રોજગાર આપે છે. આ કરોડરજ્જુ તૂટી ચૂકી છે.
રાહુલ ગાંધીએ ભારતમાં ખાનગી રોકાણની કમીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સવાલ કર્યો હતો કે દેશમાં ખાનગી રોકાણ કેમ વધી રહ્યું નથી. ભારતમાં આગળ વધતા કારોબારીઓમાં માત્ર અદાણી અને અંબાણી જેવાં જ નામ કેમ જોવા મળે છે. આ સાથે ટાટા સમૂહ અંગે પણ સવાલ કર્યા હતા.
રાહુલે વિદેશ પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે, ભવિષ્યમાં તકની કમી, બેરોજગારી અને શિક્ષા વ્યવસ્થા સંબંધિત ચિંતાઓ એવા મોટા પડકાર છે જેને નજરઅંદાજ કરી શકાય નહીં. કાર્યક્રમમાં રાહુલને યુવાનોને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. જેનો જવાબ આપતા યુવાનો અને માતા-િપતા વચ્ચે વિચારોના અંતરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પાછળની પેઢીના અનુભવો વર્તમાન સમયે કારગર નથી. માતા-િપતાની સલાહ હવે કામમાં આવી રહી નથી.
----------
રાહુલ ભારત વિરોધી દુષ્પ્રચારના નેતા ઃ ભાજપ
ભાજપે કહ્યું, રાહુલની નિવેદનબાજીથી દરેક ભારતીય શર્મસાર
નવી દિલ્હી, તા. 18 ઃ ભાજપ દ્વારા કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ ભારતીય અર્થવ્યવસ્થા ઉપર કરેલી ટિપ્પણીઓની આલોચના કરવામાં આવી હતી. ભાજપે કહ્યું હતું કે, રાહુલ ગાંધી દ્વારા વિદેશી ધરતી ઉપર દેશને બદનામ કરવા માટે આપવામાં આવેલાં પાયાવિહોણા, ખોટા અને ભારત વિરોધી નિવેદનોથી દરેક ભારતીય ક્ષોભમાં છે. પીએમ મોદીનાં નેતૃત્વમાં છેલ્લાં 12 વર્ષમાં ભારતે લોકતંત્ર, અર્થવ્યવસ્થા, યુવાનોના સશક્તિકરણ અને વૈશ્વિક સ્તરે ઓળખ બનાવવામાં ઘણી સફળતા મેળવી છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી અપરિપક્વ છે, ભારત વિરોધી છે અને ભારતના મીર જાફર છે. સંસદનાં દરેક સત્રમાં પહેલા તેઓ વિદેશ યાત્રા કરે છે અને વિદેશી આકાઓના નિર્દેશ લઈને પરત આવે છે. રાહુલ ગાંધી ભારત વિરોધી દુષ્પ્રચારના નેતા છે. જે વિદેશની ધરતી ઉપરથી વારંવાર ભારતની છબી ખરડવાનો પ્રયાસ કરે છે. હકીકતમાં કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલે કહ્યું હતું કે ભારતનું અર્થતંત્ર તબાહ થવાની કગારે છે. વધુમાં મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા સહિતની પહેલની ટીકા કરી હતી. આ ઉપરાંત રાહુલે વોટચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ભારતની ચૂંટણી પ્રક્રિયા ઉપર ગંભીર સવાલ કર્યા હતા. જેના ઉપર ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું હતું કે, ભારતની પ્રગતિ અને ભારતનાં લોકતંત્ર પ્રત્યે રાહુલમાં નફરત છે. જેનાં કારણે જ્યારે પણ વિદેશ જાય છે ત્યારે દુષ્પ્રચાર કરે છે.