• બુધવાર, 18 નવેમ્બર, 2026

જૂનાગઢમાં વેપારીને તમંચો બતાવી જાનથી મારી નાખવાની ધમકી

વ્યાજખોરે રૂ.4.50 લાખના રૂ.7 લાખ વસૂલ્યા બાદ વધુ રૂ.10 લાખની પઠાણી ઉઘરાણી; રૂ.10 હજાર રોકડા અને ત્રણ કોરા ચેક બળજબરીથી પડાવ્યા

જૂનાગઢ, તા.17: જૂનાગઢમાં વ્યાજખોરીનું દુષણ યથાવત્ જોવા મળી રહ્યું છે. રૂ.4.50 લાખ વ્યાજે આપ્યા બાદ રૂ.7 લાખ વસૂલી લીધા હોવા છતાં વધુ રૂ.10 લાખની માંગણી કરી વેપારીને તમંચા જેવું હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં, વેપારી પાસેથી રૂ.10 હજાર રોકડા અને ત્રણ કોરા ચેક પણ બળજબરીથી પડાવી લેવાયા હતા. આ અંગે ઢાલ રોડ પર પાડાવાળા ચોકમાં રહેતા વેપારી આકીબ જાવેદ મહીડા (ઉ.વ.24)એ એ ડિવિઝન પોલીસમાં ખ્વાજા નગરમાં રહેતા અમન મહંમદ સાંધ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, વેપાર માટે નાણાંની જરૂર પડતાં આકીબે વર્ષ 2025માં અમન પાસેથી રૂ.4.50 લાખ વ્યાજે લીધા હતા. જે પેટે વ્યાજ અને મુદ્દલ સહિત રૂ.% લાખ ચૂકવી દીધા હતા. તેમ છતાં અમને વધુ રૂ.10 લાખની માંગણી કરી હતી. આ માટે વેપારીના ઘરે પહોંચી તમંચા જેવું હથિયાર બતાવી રૂ.10 હજાર રોકડા અને ત્રણ કોરા ચેક પડાવી લીધા હતા. ત્યારબાદ ફોન પર પણ ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસે ગેરકાયદે નાણાં ધીરધાર હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક