રાજકોટ,તા.18ઃ (ફૂલછાબ ન્યૂઝ) સોના-ચાંદીની તેજીમાં લોઢાની મેખ સર્જાઇ ગઇ છે. અકલ્પનીય ભાવ થઇ જશે, ધાતુઓ પહોંચ બહાર થઇ જશે તેવી ગુલબાંગો 2026ના આરંભે ફેંકવામાં આવતી હતી પણ અત્યારે તેજીની સાથે તેજીવાળા ફેંકાઇ ચૂક્યાં છે. કારણ કે બન્ને ધાતુઓને મંદીનો કારમો ફટકો પડતા એક વર્ષના તળિયાના ભાવ થઇ ગયા છે.
રાજકોટમાં 24 કેરેટ શુધ્ધતા ધરાવતા સોનાનો ભાવ રૂ.1,35,800 પ્રતિ
10 ગ્રામ થઇ ગયો છે. બીજી તરફ ચાંદી રૂ. 1,66,500 સુધી પટકાઇ ગઇ છે. ધનતેરસ હજુ તો હાલ જ પસાર થઇ છે. ત્યારથી બાર દિવસમાં સોનું રૂ. 11,400 અને ચાંદી રૂ. 22,500 પટકાઇ
ચૂકી છે. પંદર દિવસમાં મોટી ઉથલપાથલ થઇ જતા અગાઉ મોંઘા ભાવે ખરીદ કરી ચૂકેલા ગ્રાહકો પસ્તાઇ રહ્યા છે. અલબત્ત અત્યારે લગ્નસરાની માગ જરુર વધી છે.
બીજી તરફ વિદેશ બજારમાં સોનાનો ભાવ ધનતેરસે 4127 ડોલર હતો તે ઘટીને 3742 ડોલર અને ચાંદીનો ભાવ 52.71 ડોલર હતો તે ઘટીને 45.13 ડોલર આવી ગયો છે. વૈશ્વિક સ્તરે વર્ષ કરતા પણ વધારે સમયનો નીચો ભાવ થયો છે.
2026ના આરંભમાં અસાધારણ તેજી હતી પણ હવે તીવ્ર કડાકા બોલી ગયા છે. અમેરિકા-ઇરાન વચ્ચેના યુધ્ધને લીધે ફુગાવો ખૂબ વધ્યો છે. ફુગાવાને નાથવા માટે અમેરિકા વ્યાજદરમાં સતત વધારો કરતી જાય છે અને હજુ મોટાં દર વધારા બાકી હોવાના ફફડાટથી સોનાચાંદીમાં ભારેખમ વેચવાલી છે. સોના-ચાંદી અને અમેરિકી ડોલરને સામસામા બનતું નથી. અર્થાત ડોલર વધે તો સોનું તૂટતું જ હોય છે. અત્યારે ડોલરમાં ફાટફાટ તેજી છે, જેણે કિંમતી ધાતુઓને તળિયે લાવી દીધી છે.
2026ની શરૂઆતમાં સોના અને ચાંદીમાં અસાધારણ તેજી થઇ હતી પરંતુ હવે તેમાં નફા બાકિંગ, યુએસ ડોલરની તેજી અને અમેરિકાના બોન્ડ માર્કેટમાં આસમાની તેજી થતા સોનાને ફટકા પડી રહ્યા છે. યુએસ-ઈરાન સંઘર્ષે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કર્યો, જેના કારણે ફુગાવાની ચિંતાઓ વધી અને ફેડરલ રિઝર્વ નાણાકીય નીતિ વ્યાજદર ઘટાડા તરફની હતી તે પલ્ટાઇને વ્યાજદર વધારાની થઇ ગઇ છે. અમેરિકામાં બોન્ડમાં પણ 5.15 ટકાના
અર્થાત સોના કરતા વધારે વળતર થઇ જતા સોનું ખરીદવાનું હવે મોટાં ફંડોને પોસાય તેમ નથી.
હવે ડિસેમ્બરમાં ફેડરલ રિઝર્વના દરમાં વધુ વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે, જેનાથી વધુ દબાણ વધ્યું છે.અભ્યાસુઓ કહે છે, ટૂંકાગાળામાં વધતા વ્યાજદર સોના ચાંદીને નડશે પણ લાંબા ગાળાના મૂળભૂત સિદ્ધાંતો કિંમતી ધાતુઓને સહાયક બનશે.
કેડિયા કોમોડિટીઝના અજય કેડિયા કહે છેકે, છેલ્લા બે વર્ષમાં સોના અને ચાંદીના બજારમાં પ્રવેશ કરનારા રોકાણકારોએ તાજેતરના ઘટાડાને કારણે ગભરાટમાં વેચવાલી ટાળવી જોઈએ. વધેલી બજારમાં રોકાણકારો વધારે ખરીદી કરતા હતા પણ ઘટાડામાં હવે થોડી ખરીદી શક્ય હોય તો કરવી જોઇએ. તેમણે કહ્યું કે, ટૂંકા ગાળાની અસ્થિરતા છતાં માંગ અદૃશ્ય થઈ નથી.
--------
રાજકોટની નામી પેઢીઓ
ભીંસમાં આવ્યાની ચર્ચા
સોના ચાંદીના ભાવ હવે ક્યારેય ઘટશે નહીં અને ઘટશે તો એ માત્ર કરેક્શન હશે એમ માનીને અનેક ઝવેરીઓએ વિદેશમાં મોટાં એક્સપોઝર લઇ લીધાં હતા. જોકે એકાએક મોટી મંદીએ બધાને ઉંઘતા ઝડપ્યા હોય તેમ જબરી નાણાંભીસમાં આવી ગયા છે. સલામતી પૂર્વક વિદેશમાં ફિક્સ -અનફિક્સના સોદા કરનારાઓને ખાસ ફરક નથી પડÎો પણ બેદરકાર રહ્યા હોય કે સટ્ટાખોરી કરી હતી તેવા વર્ગને મુશ્કેલી પડી રહી છે. રાજકોટમાં બેથી ત્રણ નામી પેઢીઓ કરોડોની ભીંસમાં આવી ગયાની ચર્ચા છે. જેનો આંકડો આશરે રૂ. 400 કરોડ જેવો થતો હોવાની વાતો ઝવેરી બજારમાં ચાલે છે.
---------
સોનું વર્ષ આરંભથી
રૂ. 49 હજાર તૂટÎું !
જોકે જાન્યુઆરી 2026માં સોનું રૂ. 1,85,000 થયું હતું. એમાં રૂ. 49 હજારથી
વધુ કડાકો બોલી ગયો છે અને ચાંદી રૂ. 3,95,000 થઇ હતી તેમાં રૂ. 2.28 લાખનું
ગાબડું પડી ગયું છે. વિશ્વ બજારમાં સોનાનો ભાવ આ સમયે 5626 ડોલર પ્રતિ ઔંસ સુધી ગયો હતો અને અત્યારે 3742 ડોલર છે. જ્યારે ચાંદી 121 ડોલર સુધી પહોંચ્યા પછી આજરોજ 45.13 ડોલર હતી.