• શનિવાર, 14 નવેમ્બર, 2026

ટેક વર્લ્ડમાં ભૂકંપ

માઈક્રોસોફ્ટ ઠપ થતાં દુનિયાના શ્વાસ અદ્ધર

 

74 દેશમાં સેવાઓ ખોરવાઈ:           93 હજાર કરોડથી વધુનું નુકસાન: ભારતમાં હવાઈસેવાને અસર

શિકાગો, તા.13 : માઈક્રોસોફ્ટ ઠપ (આઉટેજ) થવાની અસર આશરે 74 દેશો સુધી પહોંચી હતી, જેના કારણે વિશ્વભરમાં સ્વાસ્થ્યથી માંડીને વિમાન સહિતની સેવાઓ અટકી  પડતાં અંદાજે 10 અબજ ડોલર એટલે કે 93,431 કરોડ રૂપિયાથી વધુના આર્થિક નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સાંજ સુધીમાં માઈક્રોસોફ્ટની આ યાંત્રિક ખામીને 18 કલાક વીત્યા બાદ ધીરે ધીરે સેવા પાટે ચડી રહી હોવાનું અહેવાલોમાં જણાવવામાં  આવ્યું હતું. બ્રિટનમાં નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) દ્વારા દર્દીઓને દવાઓનું પ્રિક્રિપ્શન મોકલવામાં મુશ્કેલી સર્જાઈ છે, જ્યારે ભારત, કનેડા,  જર્મની અને અમેરિકામાં હવાઈ તથા રેલ સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે.  એક તબક્કે કંપની પર સાયબર હુમલો થયાની વાત ફેલાઈ હતી જોકે પ્રવક્તાએ તેને રદિયો આપ્યો હતો. 12 નવેમ્બરના મોડી રાત્રે શરૂ થયેલા આ સેવા-વિક્ષેપને કારણે, વિશ્વભરના લાખો લોકો આઉટલુક ઈમેલ, ટીમ્સ માટિંગ ટૂલ્સ અને આધુનિક ઓફિસ કામગીરી માટે જરૂરી અન્ય મહત્વપૂર્ણ સેવાઓનો ઉપયોગ કરવામાં અસમર્થ બન્યા હતા.

અમેરિકા ઉપરાંત, તેની અસર ભારત, જાપાન અને અન્ય ઘણા દેશોના ખાનગી ક્ષેત્ર, બેંકો, સરકારી વિભાગો અને અદાલતો સુધી પણ પહોંચી હતી.

આજે સવારે સ્પાઈસ જેટે દિલ્હીથી ઉડાન ભરનારી ત્રણ ફ્લાઈટ રદ કરી હતી જ્યારે દરભંગા અને મુંબઈ જનારી ઉડાનો વિલંબમાં પડી હતી.

દિલ્હી એરપોર્ટે યાત્રીઓ માટે માર્ગદર્શિકા જારી કરીને હવાઈમથક માટે નીકળતા પહેલાં ઉડાનનું સ્ટેટસ ચકાસી લેવાની સલાહ આપી હતી. ઈન્ડિગો અને અકાસા એરે પણ પ્રવાસીઓ માટે માર્ગદર્શિકા બહાર પાડી હતી.

 

માઈક્રોસોફ્ટની સેવામાં ગડબડ : ભારતમાં ત્રણ ફ્લાઈટ રદ

નવી દિલ્હી, તા.13: માઈક્રોસોફ્ટની સેવાઓમાં ટેકનિકલ ક્ષતિનાં કારણે ઈમેઈલ અને એઆઈ આસિસ્ટંટ સહિતની સુવિધાઓ ખોરવાઈ હતી અને તેનાં પગલે ભારતમાં વિમાન સેવા ઉપર પણ પ્રતિકૂળ અસર થઈ હતી. દિલ્હીમાં આઈજીઆઈ એરપોર્ટ ઉપર સ્પાઈસ જેટની ત્રણ ફ્લાઈટની ઉડાન આના હિસાબે રદ કરવામાં આવી હતી. જેમાં દિલ્હી-પુણે, દિલ્હી-લેહ અને દિલ્હી-મુંબઈની વિમાન સેવાનો સમાવેશ થતો હતો.

એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ થવા ઉપર સતત નજર  રાખવામાં આવી રહી છે અને હજી સુધી તેનાં હિસાબે તેની કોઈ વિમાનસેવાને અસર થઈ નથી. એર ઈન્ડિયાનાં જણાવ્યા પ્રમાણે યાત્રીઓને કોઈપણ અવરોધ વિના ઈ-મેઈલ મળી રહ્યાં હતાં અને હંગામી ધોરણે અન્ય રુટથી ઈમેઈલ મોકલવામાં આવ્યા હતાં.

 

હુઆંગને લગ્નેતર સંબંધો પડયા ભારે

 

નવી દિલ્હી, તા.13: અંગત જીવન સાથે જોડાયેલા વિવાદો અને કથિત પ્રેમ સંબંધોનાં ઘટસ્ફોટ વચ્ચે દુનિયાની દિગ્ગજ ટેક કંપની એનવીડિયામાં મોટું નેતૃત્વ પરિવર્તન થયું છે. કંપનીનાં સીઈઓ જેનસન હુઆંગને 33 વર્ષ સુધી આ જવાબદારી સંભાળ્યા બાદ આખરે સીઈઓ પદ છોડવાનો વખત આવ્યો છે. તેમનાં રાજીનામાને પગલે એનવીડિયાનાં શેરમાં કડાકો બોલી ગયો હતો અને જોતજોતામાં જ અબજો ડોલરની શેરમૂડી સ્વાહા થઈ ગઈ હતી. તેમનાં સ્થાને કામચલાઉ ધોરણે આ જવાબદારી સીએફઓ કોલેટ ક્રેસને સોંપવામાં આવી હોવાનું કંપનીએ સત્તાવાર ધોરણે જાહેર કર્યુ છે. હુઆંગ કંપનીમાંથી હટી ગયા બાદ તેમનાં ત્રીજા અનૈતિક સંબંધનો પણ પર્દાફાશ થયો છે. કંપનીની અન્ય એક મહિલા કર્મચારી સાથે પણ હુઆંગને સંબંધો હોવાનું બહાર આવ્યું છે.

આ પહેલા હુઆંગનાં બે લગ્નેતર સંબંધોનાં ખુલાસાએ ટેકવિશ્વમાં ખળભળાટ મચાવ્યો હતો. આમાં એલિસ હુઆંગ અને કંપનીની હેલ્થકેર વાઈસ પ્રેસિડેન્ટ કિમ્બર્લી પોવેલનાં નામ સામેલ હતાં. આ ઉપરાંત હુઆંગને એનવિડીયાની અન્ય એક મહિલા કર્મચારી સાથે પણ મધુર સંબંધો હોવાનું હવે બહાર આવ્યું છે.

એનવિડીયા તરફથી હુઆંગનાં રાજીનામાની સત્તાવાર ઘોષણા પણ કરી દેવામાં આવી છે અને કોલેટ ક્રેસને વચગાળાનાં સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. એનવીડિયા બોર્ડે હુઆંગનાં રાજીનામાની જાહેરાત સાથે કંપનીનાં પ્રમુખ તરીકે તેમનાં કામની સરાહના પણ કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક