• શનિવાર, 14 નવેમ્બર, 2026

સુરેન્દ્રનગરમાં હરિદ્વાર યાત્રાના નામે રૂ.12.29 લાખની છેતરાપિંડી

સુરેન્દ્રનગર, તા.13: હરિદ્વાર યાત્રા અને શ્રીમદ્ ભાગવત કથાના આયોજનના નામે 292 જેટલા યાત્રાળુઓ પાસેથી રૂ.12.29 લાખ ઉઘરાવી છેતરાપિંડી કર્યાની ફરિયાદ સુરેન્દ્રનગરમાં નોંધાઈ છે. યાત્રાના દિવસે બસ સહિતની કોઈ વ્યવસ્થા ન થતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

આ અંગે પંકજકુમાર વિશ્વપ્રસાદ ત્રિવેદી (ઉં.વ.55)એ સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, હરિદ્વાર યાત્રા અને ભાગવત કથાના આયોજન માટે એક વ્યક્તિ દીઠ રૂ.4,200 લેખે નાણાં ઉઘરાવવામાં આવ્યાં હતાં. સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર, બોટાદ, બાવળા, લખતર અને વિરમગામ સહિતના વિસ્તારોમાંથી કુલ 292 લોકો પાસેથી રૂ.12,29,400 એકત્ર કરાયા હોવાનો આક્ષેપ છે.

જોકે, યાત્રાના દિવસે બસ સહિતની વ્યવસ્થા કરવામાં આવી નહોતી. આયોજકોનો સંપર્ક કરતાં મોબાઇલ ફોન બંધ આવતાં યાત્રાળુઓએ છેતરાપિંડી થયાની ફરિયાદ કરી હતી. આ મામલે લક્ષ્મણજી ચંદુજી ઠાકોર, લવપચા લાલાભાઈ ઉર્ફે ચેતનભાઈ ઉર્ફે અશોકકુમાર, વિક્રમાસિંહ જમાસિંહ પરમાર અને નટવર સિંહ જયવંતાસિંહ આલા સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક