• શનિવાર, 14 નવેમ્બર, 2026

કાશ્મીરના કિશ્તવાડમાં લાપતા બે પોલીસ અધિકારીના મૃતદેહ મળ્યા

મૃતદેહ ઉપર આતંકી ક્રૂરતાના નિશાન

શ્રીનગર, તા. 13 : જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જીલ્લાના દચ્છન-મરવાહ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન લાપતા થયેલા બે વિશેષ પોલીસ અધિકારી (એસપીઓ)ના ગોળીઓથી ચાળણી થયેલા મૃતદેહ ઢારના પોસ્ટથી મળી આવ્યા હતા. લાપતા થવાની સુચના મળતાની સાથે જ છેલ્લા ઘણા કલાકથી તલાશ ચાલી રહી હતી. મૃત એસપીઓની ઓળખ રશપાલ કુમાર અને બાબી ચંદના રૂપમાં થઈ છે. આતંકીઓની ક્રૂરતાના નિશાન મૃતદેહ ઉપર જોવા મળ્યા છે. એક એસપીઓના માથામાં અને બીજાની પીઠમાં ગોળી વાગી હતી.

બન્ને અધિકારી પોતાના સાથીદારની જગ્યા લેવા માટે ઢારના પોસ્ટ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઘાત લગાડીને બેસેલા આતંકીઓએ હુમલો કર્યો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં બન્ને પાસે રહેલા હથિયાર પણ ગાયબ છે. તેવામાં આતંકીઓએ હત્યા કરીને હથિયાર છિનવી લીધાની પણ આશંકા છે. બન્ને દચ્છનના કિયાર શિબિરથી ઢારના-મારવાહ સ્થિત સેનાની એક ચોકી માટે રવાના થયા હતા. જો કે સમયે સ્થળ સુધી ન પહોંચતા સ્થાનિક પોલીસ અને રાષ્ટ્રીય રાઈફલ્સ દ્વારા તલાશી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક