ઈસ્લામાબાદ,
તા. 13 : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સેનાના એક કેમ્પ ઉપર ફિદાયીન
હુમલો થયો હતો. બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ 12મી નવેમ્બરના રોજ મસ્તુંગના કંદાવા વિસ્તારમાં
પાકિસ્તાની સેનાના કેમ્પ ઉપર થયેલા હુમલાની જવાબદારી સ્વિકારી હતી. આ હુમલામાં 18 જવાનો
માર્યા ગયા હતા અને ઘણાને ઈજા પહોંચી હતી તેમજ ખૈબર પખ્તુનખ્વામાં એક ઓપરેશન માટે જઈ
રહેલી પોલીસ વાન ઉપર થયેલા હુમલામાં ડીએસપી સહિત 11 પોલીસકર્મી માર્યા ગયા હતા. બીજી
તરફ પાકિસ્તાની સેનાએ શુક્રવારે બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં 74 આતંકી
ઠાર કર્યાનો દાવો કર્યો હતો.
મળતી
વિગત પ્રમાણે કંદાવા વિસ્તારમાં બલૂચિસ્તાનની
મજીદ બ્રિગેડે વિસ્ફોટકો લાદેલી ગાડી મારફતે આત્મઘાતી હુમલો કર્યો હતો. સંગઠનનો દાવો
છે કે આ વિસ્ફોટમાં સૈન્ય કેમ્પ અને આસપાસની સુરક્ષા ચોકીઓ તબાહ થઈ હતી. ત્યારબાદ ફતેહ સ્ક્વોડના વિદ્રોહીઓ
કેમ્પમાં દાખલ થયા હતા અને બચેલા સૈન્ય કર્મચારીઓને નિશાન બનાવ્યા હતા. નજીકની એક અન્ય
ચોકીએ હુમલાનો દાવો પણ કર્યો હતો. આ હુમલામાં 18 પાકિસ્તાની જવાને જીવ ગુમાવ્યો હતો.
આવી જ રીતે ખૈબર પ્રાંતમાં અવૈધ સોનાની ખાણ સામે ઓપરેશન દરમિયાન પાકિસ્તાની પોલીસની
વાન ઉપર ઘાત લગાડીને હુમલો થયો હતો. હુમલામાં ડીએસપી સહિત 11 પોલીસ કર્મચારી માર્યા
ગયા હતા. હુમલાખોરોએ પહાડ ઉપરથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.