ભારતને
244 રનના વિશાળ અંતરથી હરાવી ન્યૂઝીલેન્ડે શ્રેણીમાં 1-2થી વાપસી કરી
નવી
દિલ્હી, તા.13: માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ ખાતે રમાયેલી ચોથી વનડેમાં ભારતીય ક્રિકેટ
ટીમને પોતાના 52 વર્ષના વનડે ઈતિહાસનો બીજો સૌથી મોટો પરાજય સહન કરવો પડ્યો છે. ન્યૂઝીલેન્ડે
ભારતને 244 રનના વિશાળ અંતરથી હરાવી પાંચ મેચની શ્રેણીમાં 1-2થી વાપસી કરી છે. અગાઉ
વર્ષ 2000માં શારજાહ ખાતે શ્રીલંકા સામે 245 રને મળેલી હાર ભારતનો સૌથી મોટો પરાજય
છે. બીજી તરફ, રનની દ્રષ્ટિએ ન્યૂઝીલેન્ડનો આ બીજો સૌથી મોટો વિજય છે.
શુભમન
ગિલની ગેરહાજરીમાં કેપ્ટનશિપ સંભાળી રહેલા શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બાલિંગ કરવાનો
નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડે ઓપનર વિલ યંગની 125 રન (108 બોલ)ની શાનદાર સદી અને ટિમ
સીફર્ટ (58) તથા ફિન એલન (41)ના ઉપયોગી યોગદાનથી 50 ઓવરમાં 333 રન બનાવ્યા હતા. ભારત
તરફથી અક્ષર પટેલ, ગુરનૂર બ્રાર અને આકિબ નબીએ 2-2 વિકેટ ઝડપી હતી.
334
રનના લક્ષ્યાંક સામે ભારતીય બાટિંગ લાઈનઅપ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ હતી અને ટીમ 26.4
ઓવરમાં માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જે વનડેમાં ભારતનો છઠ્ઠો સૌથી ઓછો સ્કોર છે. વનડે
ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. પ્લેયર
ઓફ ધ મેચ મેટ હેનરીએ (6/27) પ્રથમ ઓવરમાં જ રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરને
ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન ભેગા કર્યા હતા. માત્ર ઈશાન કિશન (27), અક્ષર પટેલ (21)
અને નમન ધીર (21) જ બે આંકડા સુધી પહોંચી શક્યા હતા. મેથ્યુ ફિશરે પણ 3 વિકેટ ઝડપી
હતી. હવે શ્રેણીનો નિર્ણાયક અંતિમ મુકાબલો 15 નવેમ્બરે આ જ મેદાન પર રમાશે.