કાર સહિત રૂ.21.36 લાખનો મુદ્દામાલ કબજે, પાંચની શોધખોળ
ભાવનગર,
તા. 5ઃ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે તળાજા હાઈવે પર કોબડી ટોલનાકા
નજીક આવેલા ખુશ્બુ મેટલ કારખાનામાંથી તાંબાના વાયરની ચોરીનો ભેદ ઉકેલી છ આરોપીઓને ઝડપી
પાડÎા છે. પોલીસને હિલપાર્ક
ચોકડીથી સીદસર-બુધેલ રોડ પર નવા યુનિવર્સિટી કેમ્પસ નજીક મોબાઈલ ટાવરની બાવળની કાંટમાં
ક્રેટા કાર સાથે છ શખ્સો શંકાસ્પદ હાલતમાં ઊભા હોવાની બાતમી મળી હતી. તપાસ દરમિયાન
તેમની પાસેથી 733 કિલો તાંબાના વાયર
મળી આવ્યા હતા. મુદ્દામાલ અંગે કોઈ આધાર કે બિલ રજૂ ન કરી શકતાં પોલીસે કાર્યવાહી કરી
હતી. પૂછપરછમાં આરોપીઓએ આશરે 20 દિવસ પહેલાં ખુશ્બુ મેટલ કારખાનામાંથી વાયરની ચોરી કર્યાની
કબૂલાત કરી હતી. આરોપીઓ મોડી રાત્રે કારખાનાની રેકી કરી માલની માહિતી મેળવ્યા બાદ ચોરીને
અંજામ આપતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે વિશાલ ઉર્ફે
કમો ચંદુભાઈ વીસાવડિયા, રઘુ મેરાભાઈ આલગોતર, કિશન બુટાભાઈ મેવાડા, રોહિત ઉર્ફે રાહુલ વાલાભાઈ બાબરિયા,
વિવેક જયદીપભાઈ આલગોતર અને દર્શિત નારણભાઈ
મેરની ધરપકડ કરી છે. જ્યારે કરણ ધતુરાતર, સંજય મેર, કુલદીપ આલગોતર, ધાર્મિક ગેડિયા ઉર્ફે બેગી અને યુવરાજ ઉર્ફે યુ.વી. સહિત પાંચ
શખસ ફરાર હોવાથી તેમની શોધખોળ ચાલુ છે. પોલીસે 733 કિલો તાંબાના વાયર (કિંમત રૂ.10.26 લાખ), રૂ.10 લાખની ક્રેટા કાર અને છ મોબાઈલ ફોન (કિંમત રૂ.1.10 લાખ) મળી કુલ રૂ.21,36,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી
વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચૌહાણના માર્ગદર્શન
હેઠળ એલ.સી.બીની ટીમે કરી હતી.