(અમારા પ્રતિનિધિ તરફથી,)
અમદાવાદ,તા.18
: નવરાત્રીના આઠમા નોરતે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં માઈભક્તોની ભારે ભીડ જોવા
મળી હતી. મંદિર પરિસર જય અંબેના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું.
નવરાત્રીના પવિત્ર મહાઅષ્ટમી પર્વે ગુજરાતના મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે પહોંચીને મા
અંબાના દિવ્ય દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ મંદિરના ગર્ભગૃહમાં માતાજીની વિશેષ પૂજા-અર્ચના
કરી ગુજરાતની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે પ્રાર્થના કરી હતી.
નવરાત્રીના
આઠમા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મા અંબાના દર્શન કરવા માટે અંબાજી પહોંચ્યા
હતા. તેઓ હેલિકોપ્ટર મારફતે ચીખલા હેલિપેડ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ મોટર
માર્ગે અંબાજી મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના આગમનને લઈને સ્થાનિક વહીવટી
તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્કૃત પાઠશાળાના વિદ્વાન
બ્રાહ્મણોએ
મંત્રોચ્ચાર કરીને મુખ્યમંત્રીને આશીર્વાદ આપ્યા હતા. ધાર્મિક વાતાવરણ વચ્ચે મુખ્યમંત્રીએ
માતાજીના દર્શન માટે મંદિર ગર્ભગૃહ તરફ પ્રયાણ કર્યું હતું.
અંબાજી મંદિરમાં પહોંચ્યા બાદ મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે ગર્ભગૃહમાં જઈને મા અંબાની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. મંદિરના ભટ્ટજી
મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા અને આરતી કરાવવામાં આવી હતી. મુખ્યમંત્રીએ
માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે ગુજરાત રાજ્યમાં સુખ-શાંતિ,
સમૃદ્ધિ અને ઉત્તરોત્તર વિકાસ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી.
નવરાત્રીના આઠમા નોરતે અંબાજી ખાતે માઈભક્તોની
ભારે ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ માતાજીનાં દર્શન કરવા માટે ગુજરાત સહિત વિવિધ
વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા હતા. મંગળા આરતી બાદ દર્શન માટે આવતા ભક્તોની
સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી
અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને અંબાજી
મંદિરને રંગબેરંગી ફૂલો અને આકર્ષક સજાવટથી શણગારવામાં આવ્યું હતું. માતાજીનાં દર્શન
કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મહાઅષ્ટમીના પવિત્ર દિવસે
મા અંબાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
બીજા
નોરતાથી આઠમા નોરતા સુધી બે મંગળા આરતી યોજાય છે
અંબાજી
મંદિરની ધાર્મિક પરંપરાઓ નવરાત્રિ દરમિયાન વિશેષ મહત્ત્વ ધરાવે છે. રાજા-રજવાડાના સમયથી
ચાલી આવતી પરંપરા મુજબ કરવામાં આવતો હોમ-હવન આ વખતે આવતીકાલે યોજાવાનો હોવાનું જણાવાયું
છે. આ ધાર્મિક વિધિનું ભક્તોમાં વિશેષ મહત્ત્વ છે અને નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના
સાથે વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવે છે. મંદિરની પરંપરા અનુસાર નવરાત્રિના બીજા
નોરતાથી આઠમા નોરતા સુધી બે મંગળા આરતી યોજાય છે. તેમાં એક આરતી ગર્ભગૃહમાં જ્યારે
બીજી આરતી ઘટસ્થાપના પાસે મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત સિદ્ધિવિનાયક
મંદિરની આરતી બાદ માતાજીની આરતી કરવાનો પરંપરાગત ક્રમ પણ જાળવવામાં આવે છે.